ઑગસ્ટમાં બધાં વીક-એન્ડ દરમ્યાન ન્યુ જર્સીના લિયોનિયા ટાઉનમાં ત્રણ દિવસ રમાય છે આ ટુર્નામેન્ટ, ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો રમે છે ક્રિકેટ
મોનાંક પટેલ પણ આ ટુર્નામેન્ટમાં રમ્યો હતો એની ફાઇલ તસવીરમાં ડાબેથી ઊભેલા ખેલાડીઓમાં તે ત્રીજા સ્થાને છે
મોનાંક પટેલ અમેરિકામાં જે ટુર્નામેન્ટમાં રમીને અમેરિકાની ક્રિકેટ ટીમ સુધી પહોંચ્યો એ ડાયમન્ડ ઍન્ડ કલરસ્ટોન કમ્યુનિટી પ્રીમિયર લીગે અમેરિકન ગુજરાતીઓને ઘેલું લગાડ્યું છે.
ADVERTISEMENT
વિપુલ શાહ
આ ટુર્નામેન્ટની વાત કરતાં ન્યુ જર્સીના ક્લૉસ્ટર ટાઉનમાં રહેતા એના આયોજક વિપુલ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘૨૦૧૨માં આ ટુર્નામેન્ટ અમે શરૂ કરી હતી અને એના માટે એક કમિટી બનાવી હતી. આ ટુર્નામેન્ટને ડાયમન્ડ ઍન્ડ કલરસ્ટોન ક્રિકેટ પ્રીમિયર લીગ નામ આપવાનું કારણ એ કે અમેરિકામાં ડાયમન્ડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો આ ટુર્નામેન્ટમાં રમે છે. દર વર્ષે ઑગસ્ટ મહિનામાં ચારેય અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે ન્યુ જર્સીના લિયોનિયા ટાઉનનાં બે ગ્રાઉન્ડમાં સવારે ૮થી રાતે ૧૧ વાગ્યા સુધી રોજની ૧૦ મૅચ રમાડીએ છીએ. ૨૦–૨૦ ઓવરની મૅચ મુખ્ય ૧૬ ટીમો વચ્ચે રમાય છે, જેમાં ૧૮થી પંચાવન વર્ષના લોકો ભાગ લે છે. આ ઉપરાંત ૬ લેડીઝ ટીમ અને ૧૦થી ૧૭ વર્ષની ઉંમરનાં બાળકોની ૬ ટીમ વચ્ચે પણ મૅચ રમાડીએ છીએ. આ ટુર્નામેન્ટ કમર્શિયલ નથી એટલે વિજેતા ટીમને અમે કપ-ટ્રોફી આપીએ છીએ, પૈસા નથી આપતા. આ ટુર્નામેન્ટમાં ગુજરાતી, કાઠિયાવાડી, મારવાડી અને મરાઠી સહિતના મૂળ ભારતના ઓછામાં ઓછા ૪૦૦ લોકો ભાગ લે છે. જોકે મોટા ભાગે ગુજરાતીઓ આ ટુર્નામેન્ટમાં વધુ ભાગ લેતા હોય છે. દરેક ટીમના સ્પૉન્સર હોય છે, તેઓ વચ્ચે ઓપન-ડ્રાફ્ટ થાય છે અને જે ખેલાડી પસંદ કરવા હોય તે કરીને ટીમ બનાવે છે. આ ટુર્નામેન્ટ રમાય ત્યારે રોજના ઓછામાં ઓછા એક હજાર લોકો એકઠા થાય છે. સવારે બ્રેકફાસ્ટથી લઈને રાતે ડિનર સુધીનું આયોજન ફ્રીમાં કરવામાં આવે છે. આ મૅચ દરમ્યાન ખેલાડીઓને ક્રિકેટ રમવા માટેનાં કપડાં આપવા ઉપરાંત તેમનો વીમો પણ ઉતરાવીએ છીએ. ૨૦૧૫ અને ૨૦૧૬માં મોનાંક પટેલ આ ટુર્નામેન્ટમાં જર્સી સ્ટ્રાઇકર્સ ટીમમાંથી રમ્યો હતો અને બન્ને વર્ષે કપ જીત્યા હતા.’
એક સમયે આ ટુર્નામેન્ટમાં મોનાંક પટેલ સાથે રમેલા અને મિત્ર સાથે મળીને પોતાની ટીમ ઉતારનારા, રુધરફર્ડમાં રહેતા જયેશ વઘાસિયા ‘મિડ-ડે’ કહે છે, ‘આ ટુર્નામેન્ટમાં મોનાંક પટેલની સાથે હું ત્રણ વર્ષ રમ્યો હતો, તે સારો ખેલાડી છે. અમેરિકાની ટીમના કૅપ્ટન તરીકે તેનું સિલેક્શન થયું એ ગુજરાતીઓ સહિત ભારત માટે ગર્વની વાત છે.
જયેશ વઘાસિયા
આ ટુર્નામેન્ટમાં મારા મિત્ર હિરેન રામાણી સાથે મળીને અમારી ટીમ ઉતારું છું. અમેરિકામાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો આ ટુર્નામેન્ટમાં રમે છે. આ ટુર્નામેન્ટ પાછળનો હેતુ એ છે કે આ પ્લૅટફૉર્મથી ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના લોકો એકબીજાની નજીક આવે, એકબીજાને ઓળખતા થાય. રમત બધાને તાજા કરી દે છે એટલે ફિટનેસ પણ જળવાઈ રહે તેમ જ આ કલ્ચર બાળકો સુધી પહોંચતાં તેઓ પણ ક્રિકેટમાં રસ લે છે અને બાળકો માટે એક નવો રસ્તો ખૂલે છે, એક પ્લૅટફૉર્મ મળે છે.’