ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છેલ્લી સાત સીઝનથી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમી રહ્યો હતો, પણ આ IPL સીઝનમાં તે ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફીલ્ડિંગ-પ્રૅક્ટિસ કરતો મોહમ્મદ સિરાજ.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છેલ્લી સાત સીઝનથી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમી રહ્યો હતો, પણ આ IPL સીઝનમાં તે ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘નવી સીઝન પહેલાં ગુજરાત સાથે જોડાઈને સારું લાગે છે. બૅન્ગલોરને છોડવું મારા માટે થોડું ઇમોશનલ રહ્યું છે, કારણ કે વિરાટભાઈએ મુશ્કેલ સમયમાં મને ઘણો સાથ આપ્યો હતો, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં અમારી પાસે ખૂબ સારી ટીમ છે. તે બોલરોનો કૅપ્ટન છે અને તે તમને ક્યારેય કંઈક નવું કરવાથી કે તમારી વ્યૂહરચના લાગુ કરવાથી રોકતો નથી. અમે બન્નેએ (૨૦૨૦માં ઑસ્ટ્રેલિયા સામે) સાથે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું અને અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે.’
ADVERTISEMENT
વિરાટ કોહલી વિશે સિરાજે કહ્યું હતું કે ‘મારી કરીઅરમાં વિરાટ કોહલીનો મોટો હાથ છે. તેણે મારા ખરાબ સમયમાં વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં મને ટેકો આપ્યો હતો. તેણે મને ટીમમાં જાળવી પણ રાખ્યો અને એ પછી મારું પ્રદર્શન અને ગ્રાફ ઉપર ગયો. તે ખૂબ જ સપોર્ટિવ રહ્યો છે. RCB છોડવું મારા માટે ખૂબ જ ઇમોશનલ રહ્યું છે. ચાલો જોઈએ કે જ્યારે હું બે એપ્રિલે બૅન્ગલોર સામે આવું છું ત્યારે શું થાય છે.’
૨૦૧૭માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL ડેબ્યુ કરનાર સિરાજે આ ટુર્નામેન્ટની ૯૩ મૅચ રમીને ૯૩ વિકેટ ઝડપી છે.
ફોટોગ્રાફરોની કઈ વાત પર ભડક્યો મોહમ્મદ સિરાજ?
મોહમ્મદ સિરાજે ગઈ કાલે શૅર કરી હતી આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી.
મોહમ્મદ સિરાજનું નામ છેલ્લા ઘણા સમયથી ઍક્ટ્રેસ અને બિગ બૉસ-૧૩ની સ્પર્ધક માહિરા શર્મા સાથે જોડવામાં આવી રહ્યું છે. એક ઇવેન્ટમાં ફોટોગ્રાફરો માહિરાને તેની ફેવરિટ IPL ટીમ વિશે પૂછી રહ્યા હતા. માહિરાએ જવાબ ન આપતાં કેટલાક ફોટોગ્રાફરોએ ગુજરાત ટાઇટન્સનું નામ લીધું હતું, જેના પર માહિરા શરમાતી જોવા મળી હતી. આ ઘટના પછી સિરાજે ગઈ કાલે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શૅર કરીને થોડા સમયમાં એને ડિલીટ કરી હતી. એમાં તેણે હાથ જોડતાં ઇમોજી સાથે લખ્યું હતું કે ‘હું ફોટોગ્રાફરોને વિનંતી કરું છું કે તેઓ મારી આસપાસ પ્રશ્નો પૂછવાનું બંધ કરે. આ સંપૂર્ણપણે ખોટું અને પાયાવિહોણું છે. મને આશા છે કે આનો અંત આવશે.’

