ઑસ્ટ્રેલિયાની આકરી સિરીઝ માટે તૈયાર છે શમી, નથી કોઈ દબાણ
મોહમ્મદ શમી
ઇન્ડિયન ક્રિકેટ ટીમના સફળ બોલર મોહમ્મદ શમીનો પર્ફોર્મન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણો રોચક અને સફળ રહ્યો હતો. પંજાબ માટે રમતાં તેણે કુલ ૨૦ વિકેટ મેળવી હતી. ખાસ વાત એ છે કે પોતાના આઇપીએલના નોંધપાત્ર પ્રદર્શનને લીધે શમીનું માનવું છે કે તેના પર ઑસ્ટ્રેલિયા ટૂરમાં જરાય પ્રેશર નથી અને તે પોતે સારા ફૉર્મમાં છે.
આ વિશે વિગતવાર વાત કરતાં મોહમ્મદ શમીએ કહ્યું કે ‘આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટેના મારા પ્રદર્શનને લીધે મારામાં ઘણો આત્મવિશ્વાસ આવ્યો છે અને હું યોગ્ય ઝોનમાં છું. મારા માટે સૌથી ફાયદાકારક વાત એ છે કે હવે હું વગરચિંતાએ આવનારી સિરીઝ માટે તૈયારી કરી શકું છું. મારા પર જરાય પ્રેશર નથી અને હાલના સમયમાં હું ઘણો કમ્ફર્ટેબલ છું. લૉકડાઉનમાં મેં મારી બોલિંગ અને ફિટનેસ પર ઘણું કામ કર્યું હતું. મને ખબર હતી કે આજે નહીં તો કાલે આઇપીએલ યોજાશે અને હું એ માટે તૈયારી કરી રહ્યો હતો. અમારી આ ટૂર ઘણી લાંબી છે. મારું લક્ષ્ય ટેસ્ટ ક્રિકેટ છે જેના માટે હું મારી લેંગ્થ અને સીમ મૂવમેન્ટ પર કામ કરી રહ્યો છું. મારું હંમેશાં માનવું રહ્યું છે કે એક વાર તમે નક્કી કરેલી લેંગ્થ પ્રમાણે બૉલ નાખવાનું શરૂ કરો તો તમે અલગ-અલગ ફૉર્મેટમાં પણ સફળ થઈ શકો છો. ભારત પાસે સારા બૅટ્સમૅન છે અને અમે નેટમાં તેમની સામે બોલિંગ પણ કરી છે. અમે મોટા નામ સામે નથી જોતા, માત્ર પોતાની કુશળતા પર કામ કરીએ છીએ. તમે ભલે વિશ્વના દિગ્ગ્જ બૅટ્સમૅન હો, પણ એક સારો બૉલ તમને આઉટ કરીને પૅવિલિયનમાં મોકલી શકે છે.’

