ટ્રોફી-પ્રેઝન્ટેશનમાં સુનીલ ગાવસકરને આમંત્રણ ન આપવા બદલ માઇકલ ક્લાર્કે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને બરાબર સંભળાવી દીધું
માઇકલ ક્લાર્ક
સિડનીમાં બૉર્ડર-ગાવસકર ટ્રોફી કાંગારૂ ટીમને એનાયત કરતી વખતે પ્રેઝન્ટેશનમાં સુનીલ ગાવસકરને ન બોલાવવા વિશે વિવાદ ઊભો થયો હતો. આ વિશે વાત કરતાં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્કે નિરાશા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
મને લાગે છે કે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાથી ચૂક થઈ ગઈ છે એમ જણાવતાં ક્લાર્કે કહ્યું હતું કે ‘હવે મને ખબર છે કે ઘણા લોકો એ નથી જાણતા કે સિરીઝ શરૂ થાય એ પહેલાં એવું આયોજન કરવામાં આવ્યું હતું કે જો ભારત જીતશે તો સુનીલ ગાવસકર ટ્રોફી રજૂ કરશે અને જો ઑસ્ટ્રેલિયા જીતશે તો ઍલન બૉર્ડર ટ્રોફી આપશે. એથી આ બન્ને માટે કોઈ આશ્ચર્યજનક વાત નહોતી, પણ જો બન્ને ત્યાં જ હોય તો કોણ જીતે છે એનાથી કોઈ ફરક પડતો નથી. મારા મતે તે બન્નેએ સ્ટેજ પર આવવું જોઈતું હતું. બન્નેને ટ્રોફી એનાયત કરવાની તક મળવી જોઈતી હતી.’
બન્ને મહાન ક્રિકેટરની પ્રશંસા કરતાં ક્લાર્કે કહ્યું હતું કે ‘આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે ઍલન બૉર્ડર અને સુનીલ ગાવસકર બન્ને હાજર છે અને કૉમેન્ટરી કરી રહ્યા છે. તમને ભાગ્યે જ આવું કંઈક જોવા મળશે કે જે વ્યક્તિના નામ પરથી ટ્રોફીનું નામ રાખવામાં આવ્યું છે તે હજી પણ જીવિત હોય અને તેઓ એ સમયે એક દેશમાં હોય. આનાથી ગાવસકરને પણ દુ:ખ થયું હશે. મને લાગે છે કે ટ્રોફી કોઈ પણ ટીમ જીતે, પણ બન્નેએ ટ્રોફી આપવા માટે સ્ટેજ પર સાથે હોવું જોઈતું હતું.’