રવિ શાસ્ત્રીએ વર્તમાન ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરને મહત્ત્વપૂર્ણ સલાહ-સૂચન આપ્યાં છે.
ગૌતમ ગંભીર
ભારતીય બૅટર વિરાટ કોહલીના ફૉર્મ બાબતે ચિંતા કરવા વિશે હેડ કોચ ગૌતમ ગંભીરે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. હવે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે ગૌતમ ગંભીરના આ આક્રમક વર્તનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું હતું કે ‘મેદાન પર કોઈ મિત્રો નથી હોતા. તેઓ અહીં ઑસ્ટ્રેલિયા સામે રમવા આવે છે, IPL રમવા નહીં. છેલ્લી બે સિરીઝમાં ભારતની જીત માટે આ પ્રકારનો આક્રમક અભિગમ મહત્ત્વપૂર્ણ હતો અને આશા છે કે ઑસ્ટ્રેલિયા પણ આવો અભિગમ અપનાવશે.’ માઇકલ ક્લાર્કે ભાર મૂક્યો હતો કે ક્રિકેટરે ઇન્ટરનૅશનલ મૅચ દરમ્યાન વ્યક્તિગત સંબંધોને નહીં, પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ.
રવિ શાસ્ત્રીએ ગૌતમ ગંભીરને આપી સલાહ... શાંત રહો અને વિચાર્યા વિના પ્રતિક્રિયા ન આપો
ADVERTISEMENT
બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પૂર્વસંધ્યાએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ વર્તમાન ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરને મહત્ત્વપૂર્ણ સલાહ-સૂચન આપ્યાં છે. તેમણે મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે ‘પહેલી વાત એ છે કે શાંત રહેવું અને કોઈ પણ રીતે બહારનાં તત્ત્વોથી પ્રભાવિત ન થવું. એવી પરિસ્થિતિમાં ન આવો જ્યાં તમે વિચાર્યા વિના પ્રતિક્રિયા આપો. શાંત રહો અને તમારા ખેલાડીઓને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરો. આ પ્રકારની સમજ રાતોરાત નથી આવતી. મને આ બાબતો સમજવામાં થોડો સમય લાગ્યો હતો. ભારતીય ટીમ પાસે અનુભવી પ્લેયર્સ છે, એથી ગૌતમ માટે ઑસ્ટ્રેલિયા પર દબાણ લાવવા માટે તેમને પ્રેરણા આપવી મહત્ત્વપૂર્ણ રહેશે.’