કાંદિવલી-વેસ્ટમાં સચિન તેન્ડુલકર જિમખાના ગ્રાઉન્ડ પર રમાયેલી આ મૅચમાં વિક્ટરી ક્લબે ૨૦ ઓવરમાં એક વિકેટે ૨૬૨ રન બનાવ્યા હતા
સારિકા કોલી (ડાબે) અને મહેક પોકાર (જમણે). ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં મહેક દર વર્ષે કચ્છી કડવા પાટીદાર ટીમ વતી રમે છે.
પહેલી જ વાર રમાઈ રહેલી મુંબઈ ક્રિકેટ અસોસિએશનની એમસીએ વિમેન્સ ક્રિકેટ લીગમાં ગઈ કાલે ઓપનિંગ બૅટર્સ સારિકા કોલી (૧૨૫ રન, પચીસ બૉલ, બે સિક્સર, ત્રેવીસ ફોર) અને ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’માં રમતી મહેક પોકાર (૧૦૮ અણનમ, ૬૫ બૉલ, અઢાર ફોર)ની ૨૪૫ રનની ભાગીદારીની મદદથી વિક્ટરી ક્રિકેટ ક્લબે યોગી ક્રિકેટ ક્લબને ગ્રુપ-૧માં ૨૧૨ રનથી હરાવી હતી. કાંદિવલી-વેસ્ટમાં સચિન તેન્ડુલકર જિમખાના ગ્રાઉન્ડ પર રમાયેલી આ મૅચમાં વિક્ટરી ક્લબે ૨૦ ઓવરમાં એક વિકેટે ૨૬૨ રન બનાવ્યા હતા. યોગી ક્લબની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ફક્ત ૫૦ રન બનાવી શકી હતી. વિક્ટરીની સૃષ્ટિ કુડાલકરે એક રનમાં ત્રણ તથા સેજલ રાઉતે ૧૪ રનમાં બે વિકેટ લીધી હતી. અન્ય એક મૅચમાં શાંતિભાઈ શેઠ મેમોરિયલ ક્લબનો માંડવી મુસ્લિમ ક્લબ સામે ૮ વિકેટે પરાજય થયો હતો. બોરીવલી ક્રિકેટ ક્લબનો એસ. કે. પી. ઍથ્લેટિક્સ ક્લબ સામે ૮૨ રનથી વિજય થયો હતો.