ઈજાને કારણે શુભમન સિરીઝમાંથી બહાર થઈ જતાં લોકેશ, મયંક, પૃથ્વી અને અભિમન્યુ ઈશ્વરન પૈકી કોને રોહિત શર્માના પાર્ટનર તરીકે મળશે તક?
રોહિત શર્મા
આવતા મહિને ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. પગની પિંડીના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે ઓપનર શુભમન ગિલ બે મહિના સુધી ક્રિકેટ નહીં રમી શકે. પરિણામે આઉટ ઑફ ફૉર્મ રહેલા મયંક અગરવાલ અને લોકેશ રાહુલનાં નામ ચર્ચાઈ રહ્યાં છે, જેઓ છેલ્લાં બે વર્ષથી ટેસ્ટ રમ્યા નથી. અભિમન્યુ ઈશ્વરનના નામને લઈને પણ ભારે વિવાદ થઈ રહ્યો છે. ખુદ રોહિત શર્મા પણ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૩૦થી વધુ રન નહોતો કરી શક્યો. ઈશ્વરન ૨૦૧૯-’૨૦ દરમ્યાન બંગાળ તરફથી સૌથી વધુ રન કરનાર પાંચ ખેલાડીઓમાં પણ નહોતો.
લોકેશ રાહુલ પોતાની છેલ્લી ટેસ્ટ ઑગસ્ટ-સપ્ટેમ્બર દરમ્યાન રમ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે નિષ્ફળ રહેલા મયંકને ઘરઆંગણે રમાયેલી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ સ્થાન નહોતું મળ્યું. સિલેક્ટરોએ કયા કારણસર પૃથ્વી શૉ કે શિખર ધવનની અવગણના કરી એ વિશે પણ સવાલ પૂછવામાં આવી રહ્યા છે.