અમદાવાદમાં મૅચ જોવા આવેલા ઘણાને મૂર્છા આવી તો કેટલાકને ડીહાઇડ્રેશન થયું, ૧૦ને હૉસ્પિટલ લઈ જવા પડ્યા
ફાઈલ ફોટો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી ભારત અને પાકિસ્તાનની મૅચ જોવા આવેલા ૫૬૮ પ્રેક્ષકો અસ્વસ્થ થઈ જતાં તેમને હાજર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આમ પણ અમદાવાદમાં હાલ ભારે ગરમીનું વાતાવરણ છે. ગરમી ગઈ કાલે ૩૫ ડિગ્રી સેલ્સિયસ હતી, જેને કારણે મૅચ જોવા આવેલા ઘણા પ્રેક્ષકોને મૂર્છા આવી હતી, તો ઘણાને ડીહાઇડ્રેશન થઈ ગયું, કેટલાક પડી ગયા હતા તો ઘણાને હેડેક થવા ઉપરાંત ધ્રુજારી છૂટવા માંડી હતી. ૧૦૮ ઇમર્જન્સી સર્વિસે જણાવ્યું હતું કે ‘ડીહાઇડ્રેશન, પડી જવા, મૂર્છા આવવા સહિતનાં કારણોસર રાતે સાડાઆઠ વાગ્યા સુધીમાં ૫૬૮ લોકોને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર અપાઈ હતી. સ્ટેડિયમમાંથી ૧૦ પેશન્ટને વધુ સારવાર માટે નજીકની હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.’