હરાજીમાં ૩.૪ કરોડ રૂપિયામાં ટીમમાં લેવાયેલી બૅન્ગલોરની ટીમની કૅપ્ટન સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે
મંધાના ફૉર્મ મેળવશે : પેરી
ડબ્લ્યુપીએલમાં સૌથી મોંઘા ભાવે ટીમમાં લેવાયેલી સ્મૃતિ મંધાના હાલમાં બૅન્ગલોરની ટીમ તરફથી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે, પરંતુ તેની ટીમની ખેલાડી એલિસ પેરીએ પોતાની કૅપ્ટનને ટેકો આપતાં કહ્યું કે ટી૨૦ સ્પર્ધામાં ફૉર્મ મેળવવા માટે માત્ર તેને એક તકની જરૂર છે. ડબ્લ્યુપીએલની હરાજીમાં મંધાનાને ૩.૪ કરોડ રૂપિયામાં બૅન્ગલોરે ટીમમાં લીધી હતી. તેણે અત્યાર સુધી ચાર મૅચમાં અનુક્રમે ૩૫, ૨૩, ૧૮ અને ૪ રન કર્યા છે. તેની ટીમ ટુર્નામેન્ટમાં સતત ચાર મૅચ હારી છે. શુક્રવારે યુપીની ટીમ સામે પરાજય બાદ બૅન્ગલોરની વાઇસ કૅપ્ટન પેરીએ કહ્યું કે સ્મૃતિ પોતાની રમત વિશે કેટલી સાવચેત છે એ અમે બધા જાણીએ છીએ. તેના પર કેટલું દબાણ હશે એ પણ અમે જાણીએ છીએ. બૅન્ગલોરની ટીમમાં સોફી ડિવાઇન અને હીધર નાઇટ જેવી સારી ખેલાડીઓ છે.
ટી૨૦ વર્લ્ડ કપમાં ૬ વખત ચૅમ્પિયન બનનાર ૩૨ વર્ષની ખેલાડી પેરીએ કહ્યું કે આ એક નવી સ્પર્ધા છે અને જે ખેલાડીઓ સાથે અગાઉ તમે ક્યારેય નથી રમ્યા તેમની સાથે તાલમેલ બેસાડવામાં થોડો સમય લાગશે. મને લાગે છે કે તે એક શ્રેષ્ઠ કૅપ્ટન છે. આ ટુર્નામેન્ટમાં ફૉર્મ મેળવવા માટે તેને માત્ર એક સારી ઇનિંગ્સની જરૂર છે. આ સ્પર્ધામાંથી તે ઘણું શીખશે.
બીજી તરફ સ્મૃતિએ પોતાની ટીમના ખરાબ પ્રદર્શન બદલે દોષનો ટોપલો પોતાને માથે લીધો છે. તેણે કહ્યું કે ‘ચાર મૅચમાં અમે સારી શરૂઆત કરી, પરંતુ ત્યાર બાદ વિકેટ ગુમાવતાં રહ્યાં, જે માટે હું મારી જાતને પણ દોષી ગણું છું. બોલરો શાનદાર પ્રદર્શન કરી શકે એ માટે પણ પડકારજનક સ્કોર હોવો જરૂરી છે. આવતી કાલે બૅન્ગલોરની ટીમ દિલ્હી સામે ટકરાશે.