બ્રેટ લીના છેલ્લા બૉલમાં ઇરફાન પઠાણની ફોર અટકાવાઈ અને ઇન્ડિયા મહારાજાઝની બીજી હાર લખાઈ
ઇન્ડિયા મહારાજાઝના હરભજન સિંહનો ચાર વિકેટનો તરખાટ પાણીમાં ગયો. અને ફિન્ચ-વૉટ્સન વચ્ચે બીજી વિકેટ માટે ૮૮ રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી.
તાજેતરમાં ફુટબૉલ વર્લ્ડ કપનું આયોજન કરનાર કતારના પાટનગર દોહામાં શનિવારે લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)ની બીજી મૅચ રમાઈ હતી અને એ બીજી મૅચમાં પણ ગૌતમ ગંભીરની ઇન્ડિયા મહારાજાઝ ટીમે પરાજય જોવો પડ્યો હતો. કૅપ્ટન ગંભીરે (૬૮ રન, ૪૨ બૉલ, એક સિક્સર, નવ ફોર) સતત બીજી મૅચમાં હાફ સેન્ચુરી ફટકારી, પરંતુ એ એળે ગઈ હતી.
ગેઇલ, કૅલિસ, ટેલર ફ્લૉપ
ADVERTISEMENT
શનિવારે ટી૨૦ સ્પર્ધાની બીજી મૅચમાં કૅપ્ટન ઍરોન ફિન્ચ (૫૩ રન, ૩૧ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) તથા શેન વૉટ્સન (૫૫ રન, ૩૨ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી વર્લ્ડ જાયન્ટ્સે ૮ વિકેટે ૧૬૬ રન બનાવ્યા હતા. ક્રિસ ગેઇલે ૪, જૅક કૅલિસે ૮, રૉસ ટેલરે ૧ અને કેવિન ઓબ્રાયને ૪ રન બનાવ્યા હતા.
હરભજને લીધી ૪ વિકેટ
ઇન્ડિયા મહારાજાઝના ઑફ સ્પિનર હરભજન સિંહે ચાર અને ૫૧ વર્ષના લેગબ્રેક એક્સપર્ટ પ્રવીણ તામ્બેએ બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: અશ્વિનની છ વિકેટ બાદ આજે ત્રણ ઑસ્ટ્રેલિયન સ્પિનર્સ ભારતને ભારે પડી શકે
છેલ્લી ઓવરમાં શું બન્યું?
ઇન્ડિયા મહારાજાઝે જવાબમાં ૧૯ ઓવરમાં ૪ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા અને કૅપ્ટન ફિન્ચે છેલ્લી ઓવરની જવાબદારી બ્રેટ લીને સોંપી હતી. એ ઓવરમાં ગંભીરની ટીમે જીતવા માટે ૧૩ રન બનાવવાના હતા, પરંતુ ત્રીજા બૉલમાં સ્ટુઅર્ટ બિન્નીની વિકેટ પડતાં ઇન્ડિયા મહારાજાઝની જીતવાની સંભાવના ઘટી ગઈ હતી. આખી ઓવરમાં દરેક બૉલમાં એક-બે રન બનતાં છેવટે છેલ્લા બૉલમાં જીતવા માટે પાંચ રન બનાવવાના હતા અને જો ફોર ગઈ હોત તો સુપરઓવર થઈ હોત. જોકે બ્રેટ લીના એ બૉલમાં ઇરફાન પઠાણે બૉલને બાઉન્ડરી લાઇન તરફ મોકલ્યો, પરંતુ ફીલ્ડરે રોકી લેતાં પઠાણ બે જ રન દોડી શક્યો હતો અને ઇન્ડિયા મહારાજાઝ ટીમ બે રનના તફાવતથી હારી ગઈ હતી.
ઉથપ્પાના ૨૯, પરંતુ રૈનાના માત્ર ૧૯
ભારતના એક સમયના નંબર-વન ફીલ્ડર મોહમ્મદ કૈફે શનિવારે જૅક કૅલિસ પછી કેવિન ઓબ્રાયનનો પણ કૅચ પકડ્યો હતો.
ઇન્ડિયા મહારાજાઝ વતી ગંભીર અને રૉબિન ઉથપ્પા (૨૯ રન, ૨૧ બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે ૬૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ ત્યાર બાદ બીજી કોઈ મોટી ભાગીદારી નહોતી થઈ શકી. મુરલી વિજયે ૧૧ રન, સુરેશ રૈનાએ ૧૯ રન, મોહમ્મદ કૈફે અણનમ ૨૧, યુસુફ પઠાણે ૭ તથા ઇરફાન પઠાણે અણનમ ૩ રન બનાવ્યા હતા. વર્લ્ડ જાયન્ટ્સના ૭ બોલર્સમાં રિકાર્ડો પૉવેલે બે તેમ જ બ્રેટ લી, ટિનો બેસ્ટ અને ક્રિસ ઍમ્પોફુએ એક વિકેટ લીધી હતી. મૉન્ટી પનેસર, ગેઇલ, ઓબ્રાયનને વિકેટ નહોતી મળી. ફિન્ચને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.
શુક્રવારે ટુર્નામેન્ટની પહેલી મૅચમાં શાહિદ આફ્રિદીની એશિયા લાયન્સ (૧૬૫/૬) સામે ઇન્ડિયા મહારાજાઝ (૧૫૬/૮)નો ૯ રનથી પરાજય થયો હતો. ૫૦ બૉલમાં ૭૩ રન બનાવનાર એશિયા લાયન્સના મિસબાહને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.
હવે આજે એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચે મુકાબલો (ભારતીય સમય મુજબ રાતે ૮.૦૦ વાગ્યાથી) છે.