દેશને પ્રથમ વર્લ્ડકપ જીતાડનાર કૅપ્ટન કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક
કપિલ દેવ (ફાઈલ તસવીર)
દેશને પ્રથમ વર્લ્ડકપ જીતાડનાર કૅપ્ટન અને દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવ (Kapil Dev)ને હાર્ટ એટેકે આવ્યો છે. કપિલ દેવને હાર્ટ એટેક આવતા તેમની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાના અહેવાલ છે.
ભારતને પોતાની કૅપ્ટનશિપમાં પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવની ગણના વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં થાય છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હૃદયમાં તકલીફ થથા ઓખલાની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત અંગેના વધુ સમાચારની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે’.
ADVERTISEMENT
Delhi: Veteran cricketer Kapil Dev admitted at Fortis, Okhla for heart issues. More detail on his health awaited. (File photo) pic.twitter.com/2bllqVweuS
— ANI (@ANI) October 23, 2020
જ્યારે સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, કપિલ દેવને હાર્ટ એટએક આવતા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ કપિલ દેવની સ્થિતિ સ્થિર છે. ક્રિકેટરને હાર્ટ એટેક આવતા ચાહકો ચિંતા કરવા લાગ્યા છે અને સાથે જ તેમના સારા થવા માટે પ્રાર્થનાઓ પણ કરી રહ્યાં છે.
કપિલ દેવ હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020માં ક્રિકેટ અંગેના પોતાના વિચારો રજૂ કરવામાં ખૂબ સક્રિય છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ડાયાબિટીઝથી સંબંધિત બીમારીઓથી પણ પીડાય છે.
તમને જણાવી દઈએ કે, ભારતના પૂર્વ કૅપ્ટન અને ક્રિકેટર જગતના શાનદાર ઓલરાઉન્ડરોમાંથી એક એવા કપિલ દેવની કૅપ્ટનશિપમાં ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ દેવે પોતાની આંતરરાષ્ટ્રી કારકિર્દીમાં 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી હતી. તેમના નામે ટેસ્ટમાં 5,248 રન અને 434 વિકેટ છે. વનડે ઈન્ટરનેશનલ કારકિર્દીમાં તેમણે 3,783 રન બનાવવાની સાથે 253 વિકેટ લીધી હતી. તેમણે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટ ઇન્ડિઝની સામે ફરીદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.

