ઈડનમાં કલકત્તાએ એક ઑલરાઉન્ડર અને એક ટીનેજ નવોદિત સ્પિનરની મદદથી બૅન્ગલોરને ૮૧ રનથી કચડી નાખ્યું
શાર્દુલે સાતમા નંબરે આવીને બૅન્ગલોરના બોલર્સની બોલિંગના ચીંથરેહાલ કરીને ૬૮ રન બનાવ્યા અને પછી બ્રેસવેલની વિકેટ પણ લીધી હતી. અને ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં ૧૯ વર્ષના સ્પિનર સુયશ શર્માએ બૅન્ગલોરના કર્ણ શર્માની વિકેટ લેતાં આન્દ્રે રસેલે તેને અનોખી સ્ટાઇલમાં શાબાશી આપી હતી.
ગુરુવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) સામેના મુકાબલામાં ત્રણ બૅટર અને ત્રણ બોલરે યાદગાર વિજય અપાવ્યો હતો, પરંતુ એમાંથી બે ખેલાડી શાર્દુલ ઠાકુર (૬૮ રન, ૨૯ બૉલ, ત્રણ સિક્સર, ૯ ફોર અને પછી એક વિકેટ અને એક કૅચ) અને સ્પિનર સુયશ શર્મા (૪-૦-૩૦-૩)ના પર્ફોર્મન્સિસ કાબિલેદાદ હતા.
ફુલ-પૅક્ડ ઈડન ગાર્ડન્સમાં બૅન્ગલોર સામેની આ મૅચમાં બૅટિંગ મળ્યા બાદ કલકત્તાએ એક તબક્કે ૧૧.૩ ઓવરમાં પાંચ વિકેટે માત્ર ૮૯ રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લે પરિણામ એ આવ્યું કે કલકત્તાનો ૮૧ રનથી વિજય થયો હતો. સાથીઓ અને ચાહકોમાં ૅલૉર્ડ’ તરીકે જાણીતા શાર્દુલ ઠાકુરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
બૅન્ગલોરને બે હૅટ-ટ્રિક ચાન્સ
બૅન્ગલોરના ડેવિડ વિલીએ કલકત્તાની ચોથી ઓવરમાં વેન્કટેશ ઐયર (૩) અને મનદીપ સિંહ (૦)ની ઉપરાઉપરી બે બૉલમાં વિકેટ લીધી ત્યાર બાદ કર્ણ શર્માએ ૧૨મી ઓવરમાં બૅક-ટુ-બૅક બૉલમાં રહમનુલ્લા ગુરબાઝ (૫૭) અને આન્દ્રે રસેલ (૦)ની વિકેટ લેતાં ઇનિંગ્સમાં બીજી વાર હૅટ-ટ્રિક ચાન્સ જોવા મળ્યો હતો, પરંતુ બીજા ચાન્સમાં શાર્દુલ ઠાકુરે કૅચઆઉટ થતાં બચી જઈને કર્ણ શર્માને હૅટ-ટ્રિક તો નહોતી લેવા દીધી, તેણે આખી બાજી જ ફેરવી નાખી હતી. શાર્દુલ માત્ર ૨૦ બૉલમાં આઇપીએલની આ સીઝનની જૉઇન્ટ ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી (આઇપીએલમાં પોતાના પ્રથમ ફિફ્ટી) ફટકારીને રાજસ્થાનના જૉસ બટલરની બરાબરીમાં આવી ગયો છે.
નારાયણે વિરાટની પ્રાઇઝ વિકેટ લીધી
કલકત્તાએ ગુરબાઝના ૫૭ અને રિન્કુ સિંહના ૪૬ રનની મદદથી ૭ વિકેટે ૨૦૭ રન બનાવ્યા બાદ બૅન્ગલોરની ટીમ એકેય હાફ સેન્ચુરી વિના ૧૨૩ રને ઑલઆઉટ થઈ ગયું હતું. બૅન્ગલોરને કલકત્તાના સુનીલ નારાયણનો ખૂબ ડર હતો અને તેણે વિરાટ કોહલી (૨૧ રન) અને શાહબાઝ અહમદ (૧ રન)ની વિકેટ લઈને પોતાનાથી બનતું બેસ્ટ પર્ફોર્મ કરી દેખાડ્યું હતું. ૩૧ વર્ષના અનુભવી લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીએ ફક્ત ૧૫ રનમાં બૅન્ગલોરની ચાર વિકેટ લીધી હતી અને બે કૅચ પણ પકડ્યા હતા.
ADVERTISEMENT
કેકેઆરની કો-ઓનર જુહી ચાવલા ગુરુવારે ઈડનમાં સપરિવાર આવી હતી. જુહીએ ૧૯૯૫માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે સંતાન છે. પુત્રીનું નામ જાનવી અને પુત્રનું નામ અર્જુન છે.
૨૦ લાખનો સીક્રેટ સ્પિનર સુયશ
દિલ્હીમાં રહેતા ૧૯ વર્ષના સ્પિનર સુયશ શર્મા નામના સરપ્રાઇઝ સ્પિનર સુયશ શર્માને કલકત્તાની ટીમે ગુરુવારે ડેબ્યુ કરાવ્યું હતું અને સુયશે
પહેલી જ મૅચમાં ૩૦ રનમાં ત્રણ વિકેટના તરખાટથી સૌકોઈને ચકિત કરી દીધા હતા. તેણે એક સમયે
મૅચ-ફિનિશરની છાપ ધરાવતા દિનેશ કાર્તિક (૯), મોહમ્મદ સિરાજના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આવેલા અનુજ રાવત (૧) અને કર્ણ શર્મા (૧)ની વિકેટ લીધી હતી.
સુયશના પિતાને કૅન્સર છે
ટીનેજ વયનો લેગબ્રેક અને ગૂગલી સ્પેશ્યલિસ્ટ સુયશ શર્મા હજી સુધી રણજી ટ્રોફી કે બીજી કોઈ પણ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ન રમ્યો હોવાથી મોટા ભાગના ક્રિકેટપ્રેમીઓ ગુરુવાર પહેલાં તેનાથી અજાણ હતા. સુયશને કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ ઑક્શનમાં માત્ર ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો
હતો. તેના પિતા કૅન્સર જેવા મહારોગ સામે ઝઝૂમી રહ્યા છે. સુયશે દિલ્હી ક્રિકેટના કથિત ભ્રષ્ટ વાતાવરણમાં આઇપીએલ સુધી પહોંચીને દિલ્હીના ક્રિકેટપ્રેમીઓને ગૌરવ અપાવ્યું છે અને હવે તો ડેબ્યુમાં જ મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું છે.
કેકેઆરનો કો-ઓનર શાહરુખ ખાન ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં ભારતીય ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરને મળ્યો હતો અને વિરાટ કોહલી સાથે પોતાની ફિલ્મ ‘પઠાન’ના ‘ઝૂમે જો પઠાન...’ સૉન્ગનાં સ્ટેપ્સથી હજારો પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં. iplt20.com