આઇપીએલમાં સતત છઠ્ઠી વાર ૫૦૦-પ્લસ રન બનાવવાનું સપનું તૂટી ગયું
કેએલ રાહુલ
ઓપનિંગ બૅટર અને લખનઉ સુપર જાયન્ટ્સનો મુખ્ય કૅપ્ટન કે. એલ. રાહુલ જમણી સાથળની ઈજાને લીધે આઇપીએલની વર્તમાન સીઝનમાંથી આઉટ થઈ ગયો છે, તે ૭ જૂને ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પણ નહીં રમી શકે. રાહુલે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં જણાવ્યું કે ‘હું આવતા મહિને લંડનના ઓવલમાં ટીમ ઇન્ડિયા સાથે નહીં રમી શકું એ બદલ ખૂબ હતાશ છું. ફરી બ્લુ જર્સીમાં રમીને મારા દેશને મદદરૂપ થવા હું મારાથી બનતા બધા પ્રયાસ કરીશ. મને નૈતિક ટેકો આપવા બદલ હું સૌકોઈનો આભારી છું.’
રાહુલની ૧૦ મહિનામાં આ બીજી સર્જરી છે. તેણે ગયા વર્ષે જૂનમાં સ્પોર્ટ્સ હર્નિયા પ્રકારની ઈજા થતાં જર્મની જઈને પેડુમાં સર્જરી કરાવી હતી. રાહુલે ૨૦૨૨ની સીઝન સુધી આઇપીએલની લાગલગાટ પાંચ સીઝનમાં ૫૦૦-પ્લસ રન બનાવ્યા હતા અને આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. આ સીઝનમાં તેણે ૨૨૬ રન બનાવ્યા હતા અને છઠ્ઠી વાર ૫૦૦-પ્લસ રન બનાવવાની દિશામાં હતો, પણ હવે તેનું એ સપનું ચકનાચૂર થઈ ગયું છે. તેના સ્થાને કૃણાલ પંડ્યાને લખનઉની ટીમનું સુકાન સોંપાયું છે.

