ગઈ સીઝનની બન્ને ફાઇનલિસ્ટ ટીમને છેલ્લી બન્ને મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે
પ્રૅક્ટિસ દરમ્યાન હૈદરાબાદનો કૅપ્ટન કમિન્સ.
IPL 2025ની ૧૫મી મૅચમાં આજે કલકત્તામાં ગઈ સીઝનની બે ફાઇનલિસ્ટ ટીમો કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર જામવાની છે. બન્ને ટીમોની હાલત અત્યાર સુધી એકસરખી છે અને ત્રણ લીગ મૅચમાંથી છેલ્લી બન્નેમાં તેમને હતાશાજનક હારનો સામનો કરવો પડ્યો છે. બન્ને ટીમોએ, કલકત્તાએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે સાત વિકેટથી અને હૈદરાબાદે રાજસ્થાન રૉયલ્સ સામે ૪૪ રનથી જીત સાથે સીઝનની શાનદાર શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ કલકત્તા રાજસ્થાન અને મુંબઈ સામે તથા હૈદરાબાદ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટ્લ્સ સામે હારીને ફસડાઈ પડ્યું હતું. હૈદરાબાદ પૉઇન્ટ્સ ટેબલમાં આઠમા અને ચૅમ્પિયન કલકત્તા ૧૦મા છેલ્લા નંબરે છે.
ADVERTISEMENT
પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે કોલકાતા નાઇટ રાઇડર્સના વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી કોઈક વિષય પર ગંભીર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
કલકત્તાનો પંચ?
બન્ને ટીમો વચ્ચેના છેલ્લા ચારેય મુકાબલામાં કલકત્તાનો જ વિજય થયો છે. ૨૦૨૩ની બીજી લીગ અને ગઈ સીઝનમાં ફાઇનલ સહિતની ત્રણેય મૅચમાં કલકત્તાની જ જીત થઈ હતી. હવે આજે વધુ એક જીત સાથે કલકત્તા જીતનો પંચ મારે છે કે પેપર પર સૌથી મજબૂત લાગી રહેલી હૈદરાબાદ આજે ફરી લયમાં આવીને કમબૅક કરે છે કે શું? એની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પિચ પર હશે નજર
કલકત્તા ટીમમાં સુનીલ નારાયણ, મોઇન અલી અને વરુણ ચક્રવર્તી જેવા સ્પિનરો સામેલ હોવાથી અહેવાલો પ્રમાણે ટીમે પિચ ક્યુરેટરને સ્પિનરોને મદદરૂપ થાય એવી પિચ તૈયાર કરવાની વિનંતી કરી હતી, પણ એનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો. ઓપનિંગ મૅચમાં મળેલી સપાટ પિચ પર બૅન્ગલોરના ઓપનરો વિરાટ કોહલી (૫૯) અને ફિલ સૉલ્ટ (૫૬) ૮.૩ ઓવરમાં ૯૫ રન ફટકારીને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. બેન્ગલુરુએ ૧૭૫ રનનો ટાર્ગેટ માત્ર ૧૬.૨ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ચમકારો બતાવનાર વરુણ ચક્રવર્તી ચાર ઓવરમાં ૪૫ રન આપીને અસરહીન સાબિત થયો હતો. બૅન્ગોલ ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ સ્નેહાસિસ ગાંગુલી જોકે ત્યાર બાદ અંગત રીતે પિચને તૈયાર કરવામાં રસ લઈ રહ્યા હોવાથી કદાચ આજે સપાટને બદલે સ્પિન-ફ્રેન્ડ્લી પિચ જોવા મળી શકે છે.
પ્રૅક્ટિસ દરમ્યાન એક્સરસાઇઝ કરતો હૈદરાબાદનો ઝીશાન અન્સારી.
છોડ્યા તે ચમક્યા, રાખ્યા તે અસરહીન
ગઈ સીઝનમાં ત્રીજી વાર ચૅમ્પિયન બન્યા બાદ મેગા ઑક્શન પહેલાં કલકત્તાએ કૅપ્ટન શ્રેયસ ઐયર, નીતીશ રાણા, ફિલ સૉલ્ટ અને મિચલ સ્ટાર્કને છૂટા કર્યા હતા. આ ચારેય આ સીઝનમાં અત્યારે મેદાન ગજવી રહ્યા છે. ઐયરે બન્ને ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી સાથે ૧૪૯ રન, નીતીશ રાણે ૩ મૅચમાં ૧૦૦ રન, સૉલ્ટ બે મૅચમાં ૮૮ રન બનાવ્યા છે અને સ્ટાર્કે બે મૅચમાં ૮ વિકેટ ઝડપી છે. સ્ટાર્કે છેલ્લી મૅચમાં હૈદરાબાદ સામે T20 કરિયરનો બેસ્ટ પર્ફોર્મન્સ કરતાં ૩૫ રનમાં પાંચ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો. કલકત્તાએ ટીમમાં જાળવી રાખેલા વેન્કટેશ ઐયર બે મૅચમાં માત્ર ૮ જ રન બનાવી શક્યો છે અને રિન્કુ સિંહ, એન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, હર્ષિત રાણા અને રમનદીપ સિંહ ખાસ કંઈ ટીમને મદદરૂપ નથી થઈ રહ્યા.
બીજી તરફ હૈદરાબાદના જાંબાઝ બૅટરોએ પ્રથમ મૅચમાં ૨૮૬ રન સાથે ધમાકેદાર સીઝનની શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ બન્ને મૅચમાં ૨૦૦ રનના આંકડા સુધી પણ નથી પહોંચી શક્યા અને ટીમને હાર જોવી પડી છે. હવે આજે હારની હૅટ-ટ્રિકથી બચવા અને ગઈ સીઝનમાં ફાઇનલમાં મળેલી હારનો બદલા લેવો પૅટ કમિન્સની સેનાએ આજે પરાક્રમ કરવું પડશે. બીજું, મોહમ્મદ શમીનો બૅન્ગોલ વતી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાના અનુભવનો લાભ આજે હૈદરાબાદને મળી શકે છે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૮ |
કલકત્તાની જીત |
૧૯ |
હૈદરાબાદની જીત |
૦૯ |
63
કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણેને T20 ક્રિકેટમાં ૭૦૦૦ રનના માઇલસ્ટોન માટે વધુ આટલા રનની જરૂરત છે.
150
ટ્રૅવિસ હેડ આજે T20 કરીઅરની આટલામી લૅન્ડમાર્ક મૅચમાં રમશે.

