ઑસ્ટ્રેલિયન ઓપનર ટ્રૅવિસ હેડ સાથે વિવાદ થયા બાદ મોહમ્મદ સિરાજનું આક્રમક વલણ ચર્ચાનો વિષય બન્યું છે, પરંતુ મૅચ બાદ બન્નેએ એકબીજાને ભેટીને લડાઈ પૂરી કરી હતી.
જોશ હેઝલવુડ
ઑસ્ટ્રેલિયન ઓપનર ટ્રૅવિસ હેડ સાથે વિવાદ થયા બાદ મોહમ્મદ સિરાજનું આક્રમક વલણ ચર્ચાનો વિષય બન્યું છે, પરંતુ મૅચ બાદ બન્નેએ એકબીજાને ભેટીને લડાઈ પૂરી કરી હતી. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના પોતાના જૂના સાથી સિરાજનો પક્ષ લેતાં કહ્યું હતું કે ‘સિરાજ સારો માણસ છે. મેં સિરાજ સાથે RCBમાં પોતાના સમયનો ખરેખર આનંદ માણ્યો હતો. તેનું વ્યક્તિત્વ કંઈક અંશે વિરાટ જેવું છે. તે ખૂબ જ લાગણીશીલ છે અને દર્શકોને ઉત્સાહિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં IPLમાં શાનદાર બોલિંગ કરી છે.’
IPL મેગા ઑક્શનમાં બૅન્ગલોરે હેઝલવુડને ૧૨.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, જ્યારે ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ સિરાજને ૧૨.૨૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. બન્ને ફાસ્ટ બોલર્સની બેઝ-પ્રાઇસ બે કરોડ રૂપિયા હતી.
ADVERTISEMENT
ભારત સામે સિરીઝની ત્રીજી ટેસ્ટ-મૅચમાં રમશે જોશ હેઝલવુડ?
બીજી ટેસ્ટ પહેલાં પગની ઈજાને કારણે જોશ હેઝલવુડ ઑસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થયો હતો. ૧૪ ડિસેમ્બરથી આયોજિત ત્રીજી ટેસ્ટ પહેલાં તેણે ફિટનેસ પર અપડેટ આપતાં કહ્યું હતું કે ‘ત્રીજી ટેસ્ટ-મૅચમાં મારું રમવું એ આગામી ૨૪ કલાકમાં મારી ફિટનેસની પ્રગતિ પર નિર્ભર રહેશે. હજી પણ કેટલીક નાની બાબતો છે જેના પર પ્રગતિ હાંસલ કરવાની બાકી છે, પરંતુ આગામી ૨૪ કલાક મહત્ત્વપૂર્ણ છે.’ જો હેઝલવુડને ફિટ જાહેર કરવામાં આવશે તો તે પ્લેઇંગ ઇલેવનમાં ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડનું સ્થાન લેશે.
લડાઈ બદલ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ૨૦ ટકા મૅચ-ફી કપાઈ, પણ ટ્રૅવિસ હેડ બચી ગયો
ઍડીલેડ ટેસ્ટમાં પ્લેયર ઑફ ધ મૅચ બનેલા ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડ અને ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. જોકે મૅચ બાદ એકબીજાને ભેટીને લડાઈ સમાપ્ત કરનાર આ બન્ને પ્યેલર્સને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ દંડ ફટકાર્યો છે.
મેદાન પર અપમાનજનક ભાષા, ક્રિયા અને ઉશ્કેરવા બદલ સિરાજને ICC કોડ ઑફ કન્ડક્ટના નિયમ ૨.૫ના ભંગ બદલ અને ટ્રૅવિસ હેડને ગેરવર્તનના નિયમ ૨.૧૩ના ભંગના દોષી જાહેર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ પર ૨૦ ટકા મૅચ-ફીનો દંડ થયો છે, જ્યારે હેડને ગેરવર્તનના નિયમ હેઠળ દંડ થયો નથી. શિસ્તના રેકૉર્ડમાં બન્નેનાં ખાતાંમાં એક-એક ડીમેરિટ પૉઇન્ટ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ મહિનામાં આ તેમનો પહેલો જ ગુનો છે.

