ઑસ્ટ્રેલિયા સામેની વિશાખાપટ્ટનમની આજની બીજી વન-ડેમાં વરસાદ ટીમ ઇન્ડિયાનો વિજયરથ રોકી શકે, સૂર્યકુમારનું ફૉર્મ અને કુલદીપનું પ્રદર્શન ચિંતાનો વિષય
વાનખેડેમાં રમાયેલી ઑસ્ટ્રેલિયા સામેની મૅચ દરમ્યાન રવીન્દ્ર જાડેજા અને લોકેશ રાહુલ
વિશાખાપટ્ટનમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી વન-ડેમાં પણ તમામનું ધ્યાન લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજા પર જ રહેશે. મુંબઈમાં રમાનારી પહેલી વન-ડેમાં અંગત કારણસર ગેરહાજર રહેનાર રોહિત શર્મા બીજી વન-ડેમાં ટીમનું નેતૃત્વ સંભાળશે. વાનખેડેમાં રમાયેલી પહેલી લો-સ્કોરિંગ મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું હતું, જેમાં બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ખરાબ ફૉર્મને કારણે ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ડ્રૉપ કરાયેલા રાહુલે શાનદાર નોટઆઉટ ૭૫ રન કરીને ટીમને જિતાડી હતી. બીજી તરફ શુક્રવારે રમાયેલી વન-ડેમાં ૧૮૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે નોટઆઉટ ૪૫ રન બનાવનાર જાડેજા પણ ઘૂંટણની સર્જરી બાદ આઠ મહિના બાદ વન-ડે ક્રિકેટ રમ્યો હતો. તેણે શાનદાર બોલિંગ કરીને ૪૬ રનમાં બે વિકેટ ઝડપીને પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો.
ઈશાન કિશનનું પત્તું કપાશે
ADVERTISEMENT
આ વર્ષના અંતે ભારત વર્લ્ડ કપની યજમાની કરશે, જેમાં ફૉર્મમાં રહેલો રાહુલ અને ફિટ જાડેજા મહત્ત્વના ખેલાડી હશે. ત્રણ મૅચની સિરીઝ પસંદગીકારોને પણ આ બન્ને ખેલાડીઓનું મૂલ્યાંકન કરવામાં સહાયરૂપ થશે. ભારત આ મૅચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા માગશે. રોહિતની વાપસી થવાથી ટોચના ક્રમને મજબૂતી મળશે, જે ઑસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક સામે નબળી જણાતી હતી. માર્કસ સ્ટોઇનિસે પહેલી વિકેટ લીધા બાદ સ્ટાર્કે કોહલી, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલની વિકેટ લેતાં ભારત દબાણમાં આવી ગયું હતું. ભારતીય બૅટર્સ ઘણી વાર લેફ્ટી ફાસ્ટ બોલરો સામે ખરાબ પ્રદર્શન કરતા હોય છે. રોહિત ઓપનિંગ કરતાં વિકેટકીપર કિશને ઓપનિંગમાંથી હટવું પડશે. વળી તેણે માત્ર ત્રણ રન જ બનાવ્યા હતા. કોહલી અને ગિલને પહેલી વન-ડેમાં ખરાબ પ્રદર્શનની બહુ અસર નહીં પડે.
શમી અને સિરાજનું શ્રેષ્ઠ પ્રદર્શન
૫૦ ઓવરના ફૉર્મેટમાં સૂર્યકુમાર યાદવનું ખરાબ પ્રદર્શન ચિંતાનો વિષય બન્યો છે. સૂર્યકુમાર અત્યાર સુધી ૧૫ વન-ડે રમ્યો છે, જેમાં એક પણ વન-ડેમાં ૫૦ રન કરતાં વધુ રન કરી શક્યો નથી. ભારતના ફાસ્ટ બોલરો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ કુલદીપ યાદવ પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહીને જોતાં ફર્સ્ટ હાફમાં વાદળછાયું વાતાવરણ રહે એવી શક્યતા છે. પરિણામે એનો લાભ બોલરોને મળશે.
સ્મિથ પણ રહ્યો છે નિષ્ફળ
ઑસ્ટ્રેલિયા પણ આ સિરીઝમાં વિવિધ કૉમ્બિનેશન અજમાવશે. શુક્રવારે એમણે મિશેલ માર્શ, કૅમરુન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ અને ગ્લેન મેક્સવેલા જેવા ચાર ઑલરાઉન્ડ સાથે રમ્યું હતું, છતાં ભારતને વધુ મુશ્કેલીમાં મૂકી શક્યું નહોતું. ડેવિડ વૉર્નરને બદલે ઓપનિંગ માટે આવેલા માર્સે ૬૫ બૉલમાં ૮૧ રન કર્યા હતા, પરંતુ મિડલ ઓવરમાં એનો ધબડકો થયો હતો. ૨ વિકેટે ૧૨૯ રન કરનાર ૧૮૮માં ઑલઆઉટ થયું હતું. સ્મિથ આ પ્રવાસમાં ૫૦ રન પણ કરી શક્યો નથી. આ પહેલાં ભારત સામે ઘણું સારું રમતો હતો, જે તેમના માટે ચિંતાનો વિષય છે. શૉન અબૉટ, ગ્રીન અને સ્ટોઇનિસે પણ સારી બોલિંગ કરી હતી.
ડબ્લ્યુટીસીમાં રાહુલને કરાવો વિકેટકીપિંગ : શાસ્ત્રી
આગામી જૂનમાં ઇંગ્લૅન્ડમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની (ડબ્લ્યુટીસી) ફાઇનલને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે. ભૂતપૂર્વ કોચ રવિશાત્રીએ જૂનમાં ધ ઓવલમાં રમાનારી મૅચમાં લોકેશ રાહુલને વિકેટકીપર-બૅટર તરીકે રમાડવા માટે કહ્યું છે. જેનાથી ટીમની બૅટિંગ લાઇનઅપ મજબૂત થશે. રાહુલનો ઇંગ્લૅન્ડમાં રેકૉર્ડ સારો છે, પરંતુ ખરાબ ફૉર્મને કારણે તેને ઘરઆંગણે રમાયેલી બે ટેસ્ટ બાદ છેલ્લી બે ટેસ્ટની ટીમમાંથી બહાર કરી દેવાયો હતો. શુક્રવારે રમાયેલી મૅચમાં તેણે ૭૫ રન કર્યા હતા. શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘રાહુલને ફાઇનલમાં રમાડી શકાય, કારણ કે રિષભ પંતની ગેરહાજરીમાં કેશ ભરત સારું પ્રદર્શન કરી શક્યો નથી. રાહુલ પાંચમા કે છઠ્ઠા ક્રમે બૅટિંગ કરી શકે છે. ઇંગ્લૅન્ડમાં વિકેટકીપિંગ થોડીક પાછળ રહીને કરવાની હોય છે. વળી વધુ સ્પિનર નથી હોતા.’