હવે સ્ટુઅર્ટ બ્રૉડે કર્યો સવાલ : છેલ્લા આઠ મહિનાથી તે ભારતીય ટીમની બહાર છે
ચેતેશ્વર પુજારા , સ્ટુઅર્ટ બ્રૉડ
જૂન ૨૦૨૩માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યા બાદ ગુજરાતી બૅટર ચેતેશ્વર પુજારા ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી. ભારત માટે ૧૦૦થી વધારે મૅચ રમનાર પુજારાને ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. હાલમાં તે સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ભારત-ઇંગ્લૅન્ડની ટેસ્ટ સિરીઝ વચ્ચે ભૂતપૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે ટ્વિટર પર પુજારા અને વિરાટ વિશે ટ્વિટ કરી છે. તેણે લખ્યું છે કે ‘ભારતીય ટીમમાં કોહલી ના અનુભવ અને વર્લ્ડ ક્લાસની પ્રતિભા ખૂટે છે, શું પુજારાને આ ભારતીય બૅટિંગ લાઇનઅપમાં પાછો લાવવાની લાલચ હશે? અથવા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે? એવું લાગે છે કે તે થોડી સ્થિરતા લાવી શકે છે. ૭૦૦૦થી વધારે ટેસ્ટ રન બનાવનાર પુજારાએ જબરદસ્ત બૅટિંગ કરી છે. ભારતીય ટીમની ઇનિંગમાં સ્થિરતા લાવવામાં તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો. સ્ટુઅર્ટ બ્રૉડ પહેલાં ઘણા ક્રિકેટર્સે પુજારાની કરીઅર વિશે સવાલ ઉઠાવ્યા છે. જોકે ૩૬ વર્ષના પુજારાએ એક ઇન્ટવ્યુમાં જણાવ્યું હતું કે ‘એજ ઇસ જસ્ટ નંબર. હું ભારતીય ટીમમાં વાપસીની આશા રાખું છું.’