ઈરાની કપ માટે બન્ને ટીમ જાહેર થઈ : પહેલી ઑક્ટોબરથી લખનઉમાં પાંચ દિવસનો મુકાબલો
અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ
પહેલીથી પાંચમી ઑક્ટોબર સુધી લખનઉના એકાના સ્ટેડિયમમાં આયોજિત ઈરાની કપ માટે ગઈ કાલે મુંબઈ અને રેસ્ટ ઇન્ડિયાની ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના બે ધુરંધર ખેલાડીઓને કૅપ્ટન બનાવવામાં આવ્યા છે. અજિંક્ય રહાણે મુંબઈની અને ઋતુરાજ ગાયકવાડ રેસ્ટ ઑફ ઇન્ડિયાની કૅપ્ટન્સી કરશે. માર્ચ ૧૯૬૦માં રણજી ટ્રોફીની પચીસમી વર્ષગાંઠે આ મૅચની શરૂઆત થઈ હતી, જેમાં દર વર્ષે રણજી ટ્રોફી ચૅમ્પિયન ટીમ અને અન્ય રાજ્યના ખેલાડીઓથી બનેલી રેસ્ટ ઑફ ઇન્ડિયા ટીમ વચ્ચે મૅચ રમાય છે.
મિડલ ઑર્ડર બૅટ્સમૅન સરફરાઝ ખાન, વિકેટકીપર ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર યશ દયાલને બંગલાદેશ સામે કાનપુરમાં ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ-મૅચની પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કરવામાં ન આવે તો ઈરાની કપ માટે મોકલવામાં આવે એ લગભગ નિશ્ચિત છે. ધ્રુવ જુરેલ અને યશ દયાલ રેસ્ટ ઑફ ઇન્ડિયાની સ્ક્વૉડમાં છે, જ્યારે સરફરાઝ ખાન ૨૦૨૪ની રણજી ચૅમ્પિયન ટીમ મુંબઈની સ્ક્વૉડનો ભાગ છે. આ મૅચ પહેલાં મુંબઈમાં રમાવાની હતી, પણ વરસાદની સંભાવનાને કારણે એને લખનઉ શિફ્ટ કરવામાં આવી છે.
મુંબઈકર ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર સર્જરીમાંથી સાજો થયા બાદ આ મૅચમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાપસી કરશે. મુંબઈની ટીમમાં શ્રેયસ ઐયર, પૃથ્વી શૉ, મુશીર ખાન, શમ્સ મુલાની અને તનુષ કોટિયન સહિત તમામ સ્ટાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમમાં સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ઈશાન કિશન, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર, ખલીલ અહેમદ અને રાહુલ ચાહર જેવા ભારતીય સ્ટાર્સને સ્થાન આપવામાં આવ્યું છે.