અભિમન્યુએ ૨૬મી ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી ફટકારીને રેસ્ટ ઑફ ઇન્ડિયાનો સ્કોર મજબૂત કર્યો
અભિમન્યુ ઈશ્વરને ૧૫૧ રન ફટકાર્યા હતા
લખનઉમાં આયોજિત ઈરાની કપની મૅચના ત્રીજા દિવસના અંતે રેસ્ટ ઑફ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૭૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૮૯ રન બનાવ્યા છે. અભિમન્યુ ઈશ્વરન ૧૫૧ રન અને ધ્રુવ જુરેલ ૩૦ રન સાથે ક્રીઝ પર રમી રહ્યા છે. રેસ્ટ ઑફ ઇન્ડિયા હજી પણ મુંબઈથી ૨૪૮ રનથી પાછળ છે. બીજા દિવસના અંતે મુંબઈનો સ્કોર ૯ વિકેટે ૫૩૬ હતો, જ્યારે ટીમની દસમી વિકેટ પડી ત્યારે એની ઇનિંગ્સમાં વધુ એક રન ઉમેરી શકી હતી. મુંબઈએ ૧૪૧ ઓવરની બૅટિંગ કર્યા બાદ ૫૩૭ રનનો કુલ સ્કોર કર્યો હતો જેમાં સરફરાઝ ખાન ૨૨૨ રને અણનમ રહ્યો હતો.
રેસ્ટ ઑફ ઇન્ડિયાના ઓપનર અભિમન્યુ ઈશ્વરને ૨૬મી ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી ફટકાર્યા બાદ તેની ક્લાસ બૅટિંગને આગળ વધારી અને સ્ટમ્પ્સના સમયે ૨૧૨ બૉલમાં ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી અણનમ ૧૫૧ રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધી વિકેટકીપર ધ્રુવ જુરેલ (૩૦ રન) સાથે ૬૧ રનની અતૂટ પાર્ટનરશિપ કરી છે જે આજે રમતના ચોથા દિવસે વધુ વધતી જોવા મળશે. મુંબઈ તરફથી બોલિંગમાં અત્યાર સુધીમાં મોહિત અવસ્થીને બે, જ્યારે મોહમ્મદ જુનેદ ખાન અને તનુષ કોટિયનને ૧-૧ વિકેટ મળી છે.
ADVERTISEMENT
૧૦૨ ડિગ્રી તાવ સાથે બૅટિંગ કરનાર શાર્દૂલ ઠાકુરને હૉસ્પિટલમાંથી મળી રજા
ઈરાની કપની મૅચના બીજા દિવસની રમતમાં મુંબઈના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે (૩૬ રન) મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પણ વાઇરલ ઇન્ફેક્શનને કારણે બુધવારે તેને મેદાન્તા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર તે ૧૦૨ ડિગ્રી તાવ હોવા છતાં મુંબઈ માટે રમી રહ્યો હતો. જેમ-જેમ દાવ આગળ વધતો ગયો તેમ-તેમ ઠાકુરની તબિયત લથડી અને દિવસની રમત પૂરી થયા બાદ તેને હૉસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. ગઈ કાલે તેને હૉસ્પિટલમાંથી રજા મળી છે.