આજથી મુંબઈ વર્સસ રેસ્ટ આૅફ ઇન્ડિયા વચ્ચે રણસંગ્રામ શરૂ : મુંબઈ ૧૪ વાર અને રેસ્ટ આૅફ ઇન્ડિયા ટીમ ૩૦ વાર જીતી ચૂકી છે ઈરાની કપ
ઈરાની કપ
આજથી ઉત્તર પ્રદેશના લખનઉના એકાના સ્ટેડિયમમાં રણજી ચૅમ્પિયન મુંબઈ અને બાકીનાં રાજ્યોના ખેલાડીઓની બનેલી રેસ્ટ ઑફ ઇન્ડિયા વચ્ચે ઈરાની કપ માટેની મૅચની શરૂઆત થશે. ૧૯૬૦ના દાયકાથી રમાતી આ મૅચ પહેલી વાર નવાબોના શહેર લખનઉમાં રમાશે. રણજી ચૅમ્પિયન મુંબઈએ અત્યાર સુધીમાં ૧૪ વખત ઈરાની કપ જીત્યો છે, જ્યારે રેસ્ટ ઑફ ઇન્ડિયા ટીમે ૩૦ વખત ટ્રોફી જીતી છે. ગયા વર્ષે આ ટ્રોફી માટેની મૅચમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ૧૭૫ રને સૌરાષ્ટ્રને હરાવ્યું હતું. મુંબઈની બૅટિંગની જવાબદારી કૅપ્ટન અજિંક્ય રહાણે અને પૃથ્વી શૉ પર રહેશે, જ્યારે બોલિંગમાં નજર અનુભવી શાર્દૂલ ઠાકુરના પ્રદર્શન પર રહેશે. રેસ્ટ ઑફ ઇન્ડિયામાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન ધમાલ મચાવતા જોવા મળશે.
ઈરાની કપ માટે ત્રણ ખેલાડીને ભારતીય સ્ક્વૉડમાંથી રિલીઝ કર્યા
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ઈરાની કપ રમવા માટે ત્રણ ભારતીય ખેલાડીને સ્ક્વૉડમાંથી રિલીઝ કર્યા હતા. સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને યશ દયાલ જે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યા નહોતા તે હવે ઈરાની કપ માટે ઉપલબ્ધ રહેશે. સરફરાઝ મુંબઈ અને ધ્રુવ-યશ રેસ્ટ ઑફ ઇન્ડિયાની સ્ક્વૉડમાં સામેલ થશે.