ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટને ટૉસ બાદ પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાની તેમ જ બોનસ પૉઇન્ટ આપવાની એસએ૨૦એ કરેલી પહેલને વખાણી
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસને કહ્યું કે સાઉથ આફ્રિકાની ટી૨૦ જે એસએ૨૦ના નામથી ઓળખાય છે એણે જે નવા નિયમ બનાવ્યા છે એવા નિયમ આઇપીએલ પણ બનાવી શકે છે. પીટરસને એસએ૨૦ દ્વારા કરવામાં આવેલા ફેરફારની ઘણી પ્રશંસા કરી હતી, જેમાં કૅપ્ટન ૧૩ ખેલાડીઓ સાથે ટૉસ થાય એ પહેલાં મેદાનમાં ઊતરે છે અને ત્યાર બાદ પોતાની ફાઇનલ ઇલેવન પસંદ કરે છે. પીટરસને કહ્યું કે ‘નવા નિયમો સારા છે, જેમાં ટૉસ બહુ મોટો ભાગ ભજવતો નથી. એસએ૨૦ રમતમાં આ નવો નિયમ લાવ્યું છે. વળી બોનસ પૉઇન્ટ આપવો એ પણ એક સારો આઇડિયા છે. બોનસ પૉઇન્ટ પણ ભાગ ભજવે છે. આ બધા નિયમ રમતને વધુ મનોરંજક બનાવે છે. આઇપીએલ પણ આ નિયમનો અમલ કરી શકે છે.’
સ્પોર્ટ્સ૧૮ અને જિયો સિનેમા દ્વારા આ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇંગ્લૅન્ડને મળેલી સફળતા વિશે વાત કરતાં તેણે કહ્યું કે આ એક માનસિકતા છે. તેમની પાસે એક કોચ છે જે નિષ્ફળ જવાથી ડરતો નથી. તેઓ મેદાનમાં ઊતરે છે અને ડર વિના રમે છે. ભારતે પણ એનું પાલન કરવું જોઈએ. ભારત પાસે સારા ખેલાડીઓ પણ છે, તેઓ ધીમી બૅટિંગ કરે છે. પીટરસને કહ્યું કે એસએ૨૦માં એક ટીમ ખરીદવાનો મેં પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂરતી રકમ ન હોવાથી મને એમાં સફળતા મળી નથી. જોકે મને એમાં રસ છે. ભવિષ્યમાં સફળ થઈશ.