સળંગ ત્રણ મૅચ હારેલા હૈદરાબાદ સામે ગુજરાતની નજર જીતની હૅટ-ટ્રિક પર
શુભમન ગિલ, જોસ બટલર
IPL 2025ની ૧૯મી મૅચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. ગુજરાત આજે જીતની હૅટ-ટ્રિકની આશા રાખશે, જ્યારે હારની હૅટ-ટ્રિક કરનાર હૈદરાબાદ ટુર્નામેન્ટમાં કમબૅક કરવાના ઇરાદા સાથે ઊતરશે. ગુજરાત સામે હૈદરાબાદે ૨૦૨૨માં પહેલી ટક્કરમાં જ જીત મેળવી હતી. ત્યાર બાદની ચારમાંથી ત્રણ મૅચમાં ગુજરાતે બાજી મારી છે, જ્યારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આયોજિત તેમની એકમાત્ર ટક્કર ૨૦૨૪માં વરસાદને કારણે રદ થઈ હતી.
હાલમાં પૉઇન્ટ્સ-ટેબલના તળિયે રહેલા હૈદરાબાદે પહેલી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ સામે ૨૮૬ રનનો સ્કોર કર્યા પછીની ત્રણ મૅચમાં તેમના બૅટર્સે ૧૯૦, ૧૬૩ અને ૧૨૦ રન બનાવ્યા છે. કૅપ્ટન પૅટ કમિન્સની આ ટીમના બૅટિંગ-યુનિટ સાથે બોલિંગ-યુનિટે પણ આત્મનિરીક્ષણ કરીને આ મૅચમાં ઊતરવું પડશે, જ્યારે કૅપ્ટન શુભમન ગિલની ટીમ બૅક-ટુ-બૅક બે મૅચ જીતીને સંતુલિત લાગી રહી છે.

