પ્રીતિ ઝિન્ટાની ટીમના નવા હેડ કોચ રિકી પૉન્ટિંગે કર્યો ખુલાસો
રિકી પૉન્ટિંગ
ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ બાદ હવે તેની ત્રીજી ફ્રૅન્ચાઇઝીને કોચિંગ આપવાની તૈયારી કરી રહ્યો છે. પંજાબ કિંગ્સના આ નવા હેડ કોચે એક ઇન્ટરવ્યુમાં દિલ્હી કૅપિટલ્સ માટે કહ્યું હતું કે ‘મને લાગ્યું કે અમે ત્યાં સારું વાતાવરણ ઊભું કર્યું છે. ફ્રૅન્ચાઇઝીએ મને કહ્યું કે મારી ઉપલબ્ધતા એક મુદ્દો બની રહી છે. તેઓ ફુલ ટાઇમ હેડ કોચ ઇચ્છતા હતા જે મારા માટે શક્ય નથી. જોકે હું પણ આ નિર્ણયથી નિરાશ થયો છું.’
પંજાબ કિંગ્સ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું કેટલીક ટીમો સાથે વાત કરી રહ્યો હતો, પરંતુ પંજાબે મને આકર્ષિત કર્યો. આ એક એવી ટીમ છે જેને લાંબા સમયથી બહુ સફળતા મળી નથી. એવી ટીમ જેણે કોચમાં ઘણો બદલાવ કર્યો છે, એથી મેં એને એક પડકાર તરીકે જોયો. છેલ્લી સીઝનમાં પંજાબની ટીમના કેટલાક યુવા ખેલાડીઓથી પ્રભાવિત થયો હતો અને કિંગ્સ સાથે ચાર સીઝનના કરાર સાથે હું ટાઇટલ જીતવાની આશા રાખું છું.’