ચેન્નઈ અનકૅપ્ડ ખેલાડી તરીકે રિટેન કરશે તો મળશે માત્ર ચાર કરોડ, અગાઉની સીઝનની સરખામણીમાં સૅલેરીમાં થશે ૬૬.૬૭ ટકાનો ઘટાડો
મહેન્દ્ર સિંહ ધોની
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગવર્નિંગ કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ખેલાડીઓ ઓછાંમાં ઓછાં પાંચ કૅલેન્ડર વર્ષમાં કોઈ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા નથી તેમને ‘અનકૅપ્ડ’ ગણવામાં આવશે જેને કારણે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તેમના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને જાળવી શકે જે દેશ માટે છેલ્લે ૨૦૧૯ ODI વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં રમ્યો હતો. યંગ ખેલાડીઓની ભીડ વચ્ચે CSKમાં ધોનીની જગ્યા રિટેન્શનના નવા નિયમો પર નિર્ભર કરતી હતી.
શનિવારે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૧૦ ફ્રૅન્ચાઇઝીઓને તેમની અગાઉની ટીમમાંથી વધુમાં વધુ છ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં હરાજીમાં રાઇટ ટુ મૅચ (RTM) કાર્ડ પણ સામેલ હશે. દરેક ફ્રૅન્ચાઇઝીના પર્સની કિંમત ૧૦૦ કરોડથી વધીને ૧૨૦ કરોડ રૂપિયા થઈ છે જેમાંથી રિટેન્શન માટે ટીમ ૭૫થી ૭૯ કરોડ રૂપિયાની રકમ ખર્ચી શકે છે. અગાઉની મેગા ઑક્શનમાં એક ટીમને ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
‘અનકૅપ્ડ’ ખેલાડીને જાળવી રાખવાનો ખર્ચ ૪ કરોડ રૂપિયા હશે. એથી જો CSK ધોનીને જાળવી રાખે તો પણ એ ચોક્કસપણે હરાજી માટે ઘણી બચત કરી શકે છે. 2024માં ચેન્નઈએ ધોનીને ૧૨ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જો ચેન્નઈ 2025ની સીઝન માટે ધોનીને અનકૅપ્ડ ખેલાડી તરીકે રિટેન કરશે તો તેને માત્ર ૪ કરોડ મળશે અને તેની સૅલેરીમાં ૬૬.૬૭ ટકાનો ઘટાડો થશે.
ADVERTISEMENT
રાઇટ ટુ મૅચ કાર્ડ શું છે?
મેગા ઑક્શનમાં ટીમો દ્વારા રાઇટ ટુ મૅચ એટલે કે RTM કાર્ડનો ઉપયોગ કરી શકાશે. ઉદાહરણ તરીકે રોહિત શર્માને મુંબઈ ઇન્ડિયન્સ રિટેન નહીં કરે તો તેનું નામ ઑક્શનમાં જશે જ્યાં રૉયલ ચૅલૅન્જર્સ બેન્ગલુરુ તેને ૧૦ કરોડ રૂપિયામાં ખરીદે છે. હવે જો મુંબઈ ઇચ્છે તો RTM કાર્ડનો ઉપયોગ કરીને ૧૦ કરોડ રૂપિયામાં પોતાના જૂના ખેલાડી રોહિતને પોતાની પાસે રાખી શકે છે. RTM કાર્ડ તમામ ટીમો પાસે રહેશે.
વિદેશી ખેલાડીઓ માટે કડક નિયમો
મેગા ઑક્શનમાં વિદેશી ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો ખેલાડી રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેને આવતા વર્ષે IPL ઑક્શનમાં સામેલ કરવામાં આવશે નહીં. જો ઑક્શનમાં વેચાયા બાદ વિદેશી ખેલાડીઓ IPLમાંથી તેમનાં નામ પાછાં ખેંચી લે છે તો તેમના પર આગામી બે ઑક્શનમાં પ્રતિબંધ મૂકવામાં આવશે.