મોહમ્મદ સિરાજ પોતાની જૂની ફ્રૅન્ચાઇઝી અને જૂના હોમ ગ્રાઉન્ડ સામે પહેલી વાર હરીફ પ્લેયર તરીકે રમશે
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન મસ્તી કરતાં વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ.
IPL 2025ની ૧૪મી મૅચ આજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. શુભમન ગિલના નેતૃત્વવાળી ગુજરાતની ટીમ અમદાવાદમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી મૅચમાં પંજાબ કિંગ્સ સામે હાર અને બીજી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત મેળવીને બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજયનો લય જાળવી રાખવાના ઇરાદા સાથે ઊતરશે, જ્યારે રજત પાટીદારના નેતૃત્વમાં બૅન્ગલોરની ટીમ હોમ ગ્રાઉન્ડ પર પહેલી જીત નોંધાવીને ૧૮મી સીઝનમાં વિજયની હૅટ-ટ્રિક લગાવવા ઊતરશે.
આ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે બે મૅચ રમાઈ છે જેમાં બન્ને ટીમે એક-એક વાર બાજી મારી છે. ૨૦૨૪ની સીઝનમાં બૅન્ગલોરે બન્ને ગ્રુપ-સ્ટેજ મૅચમાં ગુજરાતને હાર આપી હતી. તેઓ આ હરીફ ટીમ સામે પણ સળંગ ત્રીજી જીત મેળવવાના ટાર્ગેટ સાથે ઊતરશે. આ સીઝનમાં ગુજરાત માટે રમતો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પહેલી વાર IPLમાં પોતાની જૂની ફ્રૅન્ચાઇઝી બૅન્ગલોર સામે અને જૂના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હરીફ ટીમના પ્લેયર તરીકે રમતો જોવા મળશે. ૩૧ વર્ષનો સિરાજ ૨૦૧૭માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતી વખતે પણ બૅન્ગલોર સામે રમી શક્યો નહોતો. તે ૨૦૧૮થી ૨૦૨૪ સુધી બૅન્ગલોરની ફ્રૅન્ચાઇઝીનો ભાગ હતો.
ADVERTISEMENT
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૫ |
RCBની જીત |
૦૩ |
GTની જીત |
૦૨ |

