બૅન્ગલોરના ૧૯૬ રન સામે ચેન્નઈ ૮ વિકેટે ૧૪૬ રન બનાવીને ૫૦ રને હાર્યું : છેલ્લે મે ૨૦૦૮માં ચેપૉકમાં ચેન્નઈને હરાવ્યા બાદ હોમ ટીમ ત્યાર બાદની આઠેય મૅચ જીતી હતી
બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદારે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૫૧ રન ફટકાર્યા હતા.
IPL 2025 આઠમી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે ૫૦ રને જીત મેળવીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ પૉઇન્ટ ટેબલમાં ચાર પૉઇન્ટ સાથે નંબર-વનનું સ્થાન જાળવી રાખ્યું હતું. બૅન્ગલોરે કૅપ્ટન રજત પાટીદારની ધમાકેદાર ફિફ્ટીના આધારે સાત વિકેટ ગુમાવીને ૧૯૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નઈના બૅટર્સ બૅન્ગલોરના બૉલર્સ સામે ટકી ન શક્યા અને ટીમનો સ્કોર ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૪૬ રન થયો હતો. ચેપૉકના મેદાન પર બૅન્ગલોરની ટીમે ૧૭ વર્ષ બાદ જીત નોંધાવી હતી. તેઓ માત્ર એક વાર ૨૦૦૮ના મે મહિનામાં ચેન્નઈને તેમના મેદાન પર હરાવી શક્યા હતા. આ એકમાત્ર જીત બાદ બૅન્ગલોર ચેન્નઈ સામે તેમના હોમ ગ્રાઉન્ડમાં સળંગ આઠ મૅચ હાર્યું હતું.
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી બૅન્ગલોરની ટીમે કેટલીક નાની પાર્ટનરશિપની મદદથી મોટો સ્કોર ઊભો કર્યો હતો. ઓપનર વિરાટ કોહલી (૩૦ બૉલમાં ૩૧ રન)એ ફિલ સોલ્ટ (૧૬ બૉલમાં ૩૨ રન) સાથે ૪૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ, મિડલ ઑર્ડર બૅટર દેવદત્ત પડિક્કલ (૧૪ બૉલમાં ૨૭ રન) સાથે બીજી વિકેટ માટે ૩૧ રન અને કૅપ્ટન રજત પાટીદાર સાથે ત્રીજી વિકેટ માટે ૪૧ રનની પાર્ટનરશિપ કરી હતી. રજત પાટીદારે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૩૨ બૉલમાં ૫૧ રનની મોટી ઇનિંગ્સ રમીને સ્કોર ૧૫૦ રનને પાર કર્યો હતો. જ્યારે ઑલરાઉન્ડર ટિમ ડેવિડે ૮ બૉલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારી બાવીસ રનની ઇનિંગ્સ ફટકારીને સ્કોર ૧૯૬ રન સુધી પહોંચાડ્યો હતો. ચેન્નઈના સ્પિનર નૂર અહમદ (૩૬ રનમાં ૦૩ વિકેટ) અને ફાસ્ટ બૉલર મથિશા પાથિરાના (૩૬ રનમાં ૦૨ વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી.
ADVERTISEMENT
૧૯૭ રનનો ટાર્ગેટ ચેઝ કરતી ચેન્નઈની ટીમે બૅન્ગલોરના ફાસ્ટ બૉલર જોશ હેઝલવુડ (૨૧ રનમાં ૩ વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (૨૦ રનમાં ૧ વિકેટ)ની ધારદાર બોલિંગને કારણે વર્તમાન સીઝનનો લોએસ્ટ ૩૦/૩ પાવરપ્લે સ્કોર નોંધાવ્યો હતો. ઓપનર રચિન રવીન્દ્ર (૩૧ બૉલમાં ૪૧ રન)ની ધીરજપૂર્વકની ઇનિંગ્સથી ચેન્નઈ ૧૨.૧ ઓવરમાં ૭૫/૫ના સ્કોર સુધી પહોંચ્યું હતું. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (ચાર બૉલમાં શૂન્ય) ૧૭ ઇનિંગ્સમાં પહેલી વાર ચેપૉકમાં ડક આઉટ થયો હતો. મીડિયમ ફાસ્ટ બોલર યશ દયાલે (૧૮ રનમાં બે વિકેટ) અને સ્પિનર લિયામ લિવિંગસ્ટને (૨૮ રનમાં ૦૨ વિકેટ) મિડલ ઓવર્સમાં વિકેટ ઝડપી મૅચને બૅન્ગલોરના પક્ષમાં લાવી દીધી હતી. નવમા ક્રમે બૅટિંગ માટે આવી ધોની (૧૬ બૉલમાં ૩૦ રન અણનમ)એ ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી ફૅન્સને અંતિમ ક્ષણોમાં ખુશ કર્યા હતા.
4699
આટલા રન સાથે ચેન્નઈ સુપર કિંગ્સનો હાઇએસ્ટ રન સ્કોરર બન્યો ધોની. તેણે સુરેશ રૈના (૪૬૮૭ રન)નો રેકૉર્ડ તોડયો.
1084
આટલા રન સાથે ચેન્નઈ સુપર કિંગ્સ સામે હાઇએસ્ટ રન સ્કોરર બન્યો વિરાટ કોહલી, તેણે શિખર ધવન (૧૦૫૭ રન)ને પછાડ્યો.
12
આટલાં વર્ષ બાદ બૅન્ગલોરના કોઈ કૅપ્ટને ચેપૉકમાં ફિફ્ટી-પ્લસ સ્કોર કર્યો. ૨૦૧૩માં વિરાટ કોહલીએ પહેલી ફિફ્ટી ફટકારી ૫૮ રન કર્યા હતા.

