કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટક્કરથી થશે IPL 2025ની શરૂઆત : બન્ને ટીમ નવા કૅપ્ટન્સ સાથે પહેલી વાર રમવા ઊતરશે, ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તા સામે હોમ ગ્રાઉન્ડ પર વિજયી શરૂઆતનું પ્રેશર રહેશે
ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં કલકત્તાના કોચ ચંદ્રકાંત પંડિત અને પ્લેયર વેન્કટેશ ઐયર સાથે બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર.
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચેની ટક્કરથી IPL 2025ની શરૂઆત થશે. સ્ટાર પ્લેયર્સથી ભરપૂર બન્ને ટીમ પોતાના નવા કૅપ્ટન્સ સાથે સીઝનની શરૂઆત કરશે. એક તરફ અજિંક્ય રહાણે પર ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાને વિજયી શરૂઆત અપાવવાનું પ્રેશર હશે તો બીજી તરફ પહેલી વાર આ ટુર્નામેન્ટમાં કૅપ્ટન્સી કરનાર રજત પાટીદાર પહેલી મૅચ જીતી ટીમનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરશે.
છેલ્લી બન્ને સીઝનમાં બૅન્ગલોર કલક્તા સામે હાર્યું છે. બૅન્ગલોર છેલ્લે માર્ચ ૨૦૨૩માં મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં કલક્તા સામે મૅચ જીત્યું હતું. ત્યાર બાદ રમાયેલી ચારેય મૅચમાં કલકત્તાએ બાજી મારી હતી. ઈડન ગાર્ડન્સમાં બૅન્ગલોરે છેલ્લે મે ૨૦૨૨માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે એલિમિનેટર મૅચમાં જીત મેળવી હતી, ત્યાર બાદ કલક્તા સામે રમાયેલી બન્ને મૅચમાં બૅન્ગલોરે હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં કલકત્તાના કોચ ચંદ્રકાંત પંડિત અને પ્લેયર વેન્કટેશ ઐયર સાથે બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર. રજત અને વેન્કટેશ મધ્ય પ્રદેશના પ્લેયર્સ છે અને ચંદ્રકાંત પંડિત થોડા સમય પહેલાં મધ્ય પ્રદેશના કોચ હતા. એટલે જ તેમની વચ્ચે ગઈ કાલે કલકત્તામાં ફ્રેન્ડ્લી વાતાવરણ જોવા મળ્યું હતું.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૩૪ |
કલકત્તાની જીત |
૨૦ |
બૅન્ગલોરની જીત |
૧૪ |
ઈડન ગાર્ડન્સમાં આમને-સામને બન્ને ટીમનો રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૨ |
કલકત્તાની જીત |
૦૮ |
બૅન્ગલોરની જીત |
૦૪ |
વરસાદ બગાડી શકે છે IPL 2025ના ઓપનિંગ-ડેની મજા
ભારતીય હવામાન વિભાગ (IMD)એ ૨૦ માર્ચથી બાવીસ માર્ચ સુધી પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો માટે ઑરેન્જ અલર્ટ આપી છે, જેના કારણે આજે કલકત્તામાં વરસાદ પડવાની ૭૪ ટકા શક્યતા છે. વાદળ છવાયેલાં રહેવાની શક્યતા ૯૭ ટકા છે. સાંજે વરસાદની શક્યતા વધીને ૯૦ ટકા સુધી જોવા મળી રહી છે. આનો અર્થ એ થયો કે IPLની ૧૮મી સીઝનના ઓપનિંગ-ડે પર ઈડન ગાર્ડન્સમાં વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. કલકત્તા અને બૅન્ગલોર વચ્ચેની પહેલી મૅચનું રિઝલ્ટ લાવવા માટે પૂરતી ઓવર રમી શકાશે કે નહીં તે અનિશ્ચિત દેખાઈ રહ્યું છે.

