કે. એલ. રાહુલે મને કહ્યું છે કે તે માત્ર ક્રિકેટ રમવા માગે છે - પાર્થ જિંદલ
કે. એલ. રાહુલ
દિલ્હી કૅપિટલ્સના માલિક પાર્થ જિંદલે મેગા ઑક્શનમાં કે. એલ. રાહુલને ૧૪ કરોડ રૂપિયામાં ખરીદવા બાબતે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘કે. એલ. રાહુલે મને કહ્યું છે કે તે માત્ર ક્રિકેટ રમવા માગે છે. તેને માત્ર ફ્રૅન્ચાઇઝી તરફથી પ્રેમ અને સમર્થનની જરૂર છે. તે સન્માન ઇચ્છે છે અને તેને આશા છે કે એ દિલ્હીથી મળશે. રાહુલ પણ દિલ્હી માટે IPL રમવા અને જીતવા માટે બેતાબ છે. તેણે મને કહ્યું કે દિલ્હી કૅપિટલ્સ કે હું ક્યારેય IPL જીતી શક્યા નથી, ચાલો સાથે મળીને ટ્રોફી જીતીએ.’
છેલ્લી ત્રણ સીઝન લખનઉ સુપર જાયન્ટ્સ માટે ૧૭ કરોડ રૂપિયામાં રમનાર રાહુલને સૅલેરીમાં ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લી સીઝનમાં ફ્રૅન્ચાઇઝી સાથેના અણબનાવને કારણે મેગા ઑક્શન પહેલાં તેણે લખનઉનો સાથ છોડી દીધો હતો.