પહેલી વાર બોલી પચીસ કરોડ રૂપિયાને પાર, દિલ્હી કરતાં ૧૧ કરોડ રૂપિયા વધુ મળ્યા : શ્રેયસ ઐયરને પંજાબે ૨૬.૭૫ કરોડમાં ખરીદ્યો, તેનો પગાર ૧૪.૫ કરોડ રૂપિયા વધ્યાે
ડેવિડ વૉર્નર અને દેવદત્ત પડિક્કલ
ગઈ કાલે સાઉદી અરેબિયાના જેદાહમાં IPL 2025 મેગા ઑક્શનની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ૨૦૦૮થી રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રેકૉર્ડબ્રેક બોલી આ મેગા ઑક્શનમાં લાગી હતી. કેટલાક પ્લેયર્સની સૅલેરીમાં ધરખમ વધારો થયો તો કેટલાક સ્ટાર પ્લેયર્સ અનસોલ્ડ ગયા હતા. ૧૦ ફ્રૅન્ચાઇઝી વચ્ચે મજબૂત પ્લેયર્સ ખરીદવાની રસાકસી વચ્ચે કેટલાક રસપ્રદ રેકૉર્ડ બન્યા હતા.
ADVERTISEMENT
લખનઉ સુપર જાયન્ટ્સે IPL ઇતિહાસની સૌથી મોટી બોલી લગાવીને ભારતીય વિકેટકીપર રિષભ પંતને ૨૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. બૅન્ગલોર અને હૈદરાબાદ સાથેની બોલીની ટક્કરને ૨૦.૭૫ કરોડ રૂપિયાથી બાજી મારનાર લખનઉ સામે દિલ્હીએ રાઇટ ટુ મૅચ કાર્ડનો ઉપયોગ કર્યો પણ લખનઉએ ૨૭ કરોડ રૂપિયા બોલી લગાવી દિલ્હીની બોલતી બંધ કરી હતી. છેલ્લે દિલ્હી માટે ૧૬ કરોડ રૂપિયામાં રમનાર પંતની સૅલેરીમાં ૧૧ કરોડનો વધારો થયો છે અને તે પહેલી વાર દિલ્હી સિવાયની ફ્રૅન્ચાઇઝી માટે રમતો જોવા મળશે.
ઑક્શનની શરૂઆતમાં ૨૯ વર્ષના શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે ૨૬.૭૫ કરોડ રૂપિયામાં ખરીદીને તેને સૌથી મોંઘો પ્લેયર બનાવી દીધો હતો. છેલ્લે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૧૨.૨૫ કરોડ રૂપિયામાં રમતો ઐયર આગામી સીઝનમાં પંજાબની કૅપ્ટન્સી કરતો જોવા મળી શકે છે. તેની સૅલેરીમાં ૧૪.૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેને ખરીદવા દિલ્હી અને પંજાબ વચ્ચે લાંબી સ્પર્ધા ચાલી હતી.
નાઇટ રાઇડર્સે વેન્કટેશ ઐયર પર ૨૩.૭૫ કરોડ રૂપિયાની બોલી લગાવી પોતાની ટીમમાં જાળવી રાખવામાં સફળતા મેળવી છે. તે IPL ઑક્શનના ઇતિહાસનો સૌથી મોટો ઑલરાઉન્ડર પણ બન્યો છે. ૮ કરોડ રૂપિયામાં છેલ્લી સીઝન રમનાર વેન્કટેશની સૅલેરીમાં ૧૫.૭૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ઑસ્ટ્રેલિયન બોલર મિચલ સ્ટાર્ક દિલ્હી માટે ૧૧.૭૫ કરોડ રૂપિયામાં વેચાયો છે. ગઈ સીઝનમાં આ ટુર્નામેન્ટના ઇતિહાસના સૌથી મોંઘા પ્લેયર બનેલા સ્ટાર્કની સૅલેરીમાં ૧૩ કરોડ રૂપિયાનો ઘટડો થયો છે. છેલ્લા ઑક્શનમાં કલકત્તાએ તેને ૨૪.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પંજાબ કિંગ્સે ૧૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. IPL મેગા ઑક્શન પહેલાં રાજસ્થાન રૉયલ્સ દ્વારા ચહલને રિલીઝ કરવામાં આવ્યો હતો. ૬.૫ કરોડ રૂપિયામાં છેલ્લી સીઝન રમનાર ચહલને ૧૧.૫ કરોડનો ફાયદો થયો છે. તે આ ટુર્નામેન્ટના ઑક્શનના ઇતિહાસનો સૌથી મોંઘો સ્પિનર બન્યો છે.
ભારતના સ્ટાર ખેલાડીઓમાં કે. એલ. રાહુલને દિલ્હી કૅપિટલ્સે ૧૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દિલ્હીએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે બિડિંગ જીતી હતી. બૅન્ગલોરે ૧૦.૫ કરોડ રૂપિયાની બોલી બાદ હાથ ઊંચા કરી દીધા હતા. છેલ્લે તે લખનઉ માટે કૅપ્ટન તરીકે ૧૭ કરોડ રૂપિયામાં રમ્યો હતો.
ઝડપી બોલર મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઇટન્સે ૧૨.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ફિટનેસની સમસ્યાના કારણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સિરાજને ૫.૨૫ કરોડ અને શમીને ૩.૭૫ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
ભારતના અનુભવી ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ચેન્નઈ સુપર કિંગ્સે ૯.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ડેવોન કૉન્વે અને રાચિન રવીન્દ્રને પણ ચેન્નઈએ અનુક્રમે ૬.૨૫ કરોડ અને ૪ કરોડમાં ખરીદ્યા છે.
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાને ગુજરાત ટાઇટન્સે ૧૦.૭૫ કરોડ રૂપિયામાં અને ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જોસ બટલરને ૧૫.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
રૉયલ્સે ઈજાઓથી પ્રભાવિત ઇંગ્લૅન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરને ૧૨.૫ કરોડ અને શ્રીલંકાના સ્પિનર મહિષ થીક્ષાનાને ૪.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.
ડેવિડ વૉર્નર અને દેવદત્ત પડિક્કલ જેવા સ્ટાર પ્લેયર રહ્યા અનસોલ્ડ પહેલા દિવસે ચાર પ્લેયર્સને RTM કાર્ડથી ખરીદવામાં આવ્યા
મુંબઈ ઇન્ડિયન્સનો ભૂતપૂર્વ પ્લેયર ઈશાન કિશન હૈદરાબાદ માટે ૧૧.૨૫ કરોડ રૂપિયામાં રમશે. છેલ્લી સીઝનમાં ૧૫.૨૫ કરોડ રૂપિયામાં રમનાર આ પ્લેયરને ચાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
માટે છેલ્લે ૧૧ કરોડમાં રમનાર ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલને તેની જૂની ફ્રૅન્ચાઇઝી પંજાબ કિંગ્સે ૪.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
વિકેટકીપર-બૅટર જિતેશ શર્માને બૅન્ગલોરે ૧૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. છેલ્લે પંજાબ કિંગ્સ માટે રમતા તેની સૅલેરી માત્ર ૨૦ લાખ રૂપિયા હતી. તેની સૅલેરીમાં ૧૦.૮ કરોડ રૂપિયાનો ધરખમ વધારો થયો છે.
ઑક્શનના પહેલા બે સેટના કુલ ૧૨ લોકપ્રિય ક્રિકેટર્સને ખરીદવા પાછળ ફૅન્ચાઇઝીએ ૨૮ ટકા બજેટ ખર્ચી નાખ્યું છે. ૧૦ ફ્રૅન્ચાઇઝીના કુલ ૬૪૧.૫ કરોડ રૂપિયામાંથી ૧૮૦.૫૦ કરોડ રૂપિયા રિષભ પંતથી મોહમ્મદ શમી સુધીના ૧૨ પ્લેયર્સને ખરીદવા પાછળ ખર્ચવામાં આવ્યા છે.
કેટલાં રાઇટ-ટુ-મૅચ (RTM) કાર્ડનો ઉપયોગ થયો?
લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબે રાઇટ-ટુ-મૅચ કાર્ડનો ઉપયોગ કરીને ૧૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઑસ્ટ્રેલિયન આક્રમક બૅટ્સમૅન જેક ફ્રેઝર મૅકગર્કને ફરીથી દિલ્હી કૅપિટલ્સે RTM દ્વારા ૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મુંબઈએ નમન ધીર (૫.૨૫ કરોડ) અને ચેન્નઈએ રાચિન રવીન્દ્ર (૪ કરોડ)માં આ કાર્ડની મદદથી પોતાની ટીમમાં ફરી સામેલ કર્યા છે.
કયા મોટા પ્લેયર્સ રહ્યા અનસોલ્ડ?
પહેલા દિવસે દેવદત્ત પડિક્કલ, ડેવિડ વૉર્નર, યશ ધુલ, જૉની બેરસ્ટૉ અને અનમોલપ્રીત સિંહ જેવા સ્ટાર પ્લેયર્સ અનસોલ્ડ રહ્યા હતા. કોઈ ફૅન્ચાઇઝી ઇચ્છા વ્યક્ત કરે તો તેઓને ફરી મેગા ઑક્શનમાં સામેલ કરવામાં આવશે.