પોતાને ૧૩ વર્ષનો જાહેર કરીને ચીટિંગ કરી છે IPLના યંગેસ્ટ ખેલાડીએ? ,સચિન અને ધોનીને આદર્શ માનતો વૈભવ અત્યારે અન્ડર-19 ટીમ સાથે એશિયા કપ રમવા દુબઈમાં છે
વૈભવ સૂર્યવંશી
બિહારના સમસ્તીપુર જિલ્લાનો આઠમા ધોરણનો વિદ્યાર્થી વૈભવ સૂર્યવંશી IPL 2025 મેગા ઑક્શનને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે. ૧૩ વર્ષ ૨૪૩ દિવસના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સે ૧.૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે IPL કૉન્ટ્રૅક્ટ મેળવનાર સૌથી યંગેસ્ટ પ્લેયર બન્યો છે. તેની બેઝ-પ્રાઇસ ૩૦ લાખ રૂપિયા હતી. દિલ્હી કૅપિટલ્સે પણ તેને ખરીદવા માટે પ્રયત્ન કર્યો હતો પણ છેલ્લે હેડ કોચ રાહુલ દ્રવિડની ફ્રૅન્ચાઇઝીએ ૧.૧૦ કરોડ રૂપિયામાં આ યંગ ટૅલન્ટને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
દ્રવિડે IPL દ્વારા જાહેર કરાયેલા વિડિયોમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે વૈભવ પાસે સારી કુશળતા છે અને અમને લાગ્યું કે અમે તેના વિકાસ માટે સારું વાતાવરણ પ્રદાન કરી શકીએ છીએ. તે અમારી ટ્રાયલ માટે આવ્યો હતો અને અમે તેને જોઈને ખૂબ જ ખુશ થયા.’
ADVERTISEMENT
વૈભવ એક ડાબોડી બૅટર છે અને પાર્ટ-ટાઇમ ઑફ-સ્પિન બોલિંગ પણ કરી શકે છે. વૈભવ ૨૯ નવેમ્બરથી શરૂ થનાર અન્ડર-19 વન-ડે એશિયા કપ માટે UAEના દુબઈમાં ભારતીય ટીમ સાથે છે.
વૈભવના પપ્પા સંજીવ સૂર્યવંશીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘તે હવે માત્ર મારો દીકરો નથી, આખા બિહારનો દીકરો છે. તેણે ઘણી મહેનત કરી છે. પાંચ વર્ષની ઉંમરથી જ તે ઘરે નેટ પ્રૅક્ટિસ કરવા લાગ્યો હતો. આઠ વર્ષની ઉંમરે તેણે અન્ડર-16 ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૧૦ વર્ષનો થયો ત્યારે અમે તેના કોચિંગ માટે સમસ્તીપુરથી ૧૫ કિલોમીટર દૂર મોતીપુર ગામમાં આવેલી અમારી ખેતીની જમીન પણ વેચી દીધી હતી. સચિન તેન્ડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીને તે આદર્શ માને છે. તેનું સપનું છે કે તે ભારતીય ક્રિકેટ ટીમ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમે.’
કરીઅરનો કેવો રહ્યો છે રેકૉર્ડ?
વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં જ ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમ સામે સેન્ચુરી ફટકારી હતી. એ મૅચમાં તેણે ૬૨ બૉલમાં ૧૦૪ રન ફટકાર્યા હતા જેમાં ૫૮ બૉલમાં સેન્ચુરી ફટકારીને ભારત માટે ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન અને યંગેસ્ટ ઇન્ટરનૅશનલ સેન્ચુરિયન બન્યો હતો. ૧૨ વર્ષની ઉંમરે તેણે બિહાર માટે વિનુ માંકડ ટ્રોફી રમી અને પાંચ મૅચમાં ૪૦૦ની નજીક રન બનાવ્યા. તેણે છેલ્લી રણજી ટ્રોફી સીઝનમાં બિહાર માટે મુંબઈ સામે ડેબ્યુ કર્યું હતું, પરંતુ સીઝનની પાંચ મૅચની ૧૦ ઇનિંગ્સમાં તે ૧૦ની ઍવરેજથી ૧૦૦ રન જ ફટકારી શક્યો હતો. ૧૨ વર્ષ ૨૮૪ વર્ષની ઉંમરે ડેબ્યુ કરીને તે રણજીનો સૌથી યંગ પ્લેયર પણ બન્યો છે. તેણે શનિવારે રાજસ્થાન સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બિહાર માટે T20 ડેબ્યુ કર્યું હતું અને છ બૉલમાં ૧૩ રન બનાવ્યા હતા.
ઉંમરને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ?
વૈભવની વાસ્તવિક ઉંમરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વૈભવે ૨૦૨૩માં એક ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો કે હું ૨૦૨૩ની ૨૭ સપ્ટેમ્બરે ૧૪ વર્ષ પૂર્ણ કરીશ પણ તેણે ૧૩ વર્ષના ક્રિકેટર તરીકે જ IPLમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વિવાદ વિશે તેના પપ્પાએ કહ્યું હતું કે ‘તે જ્યારે ૮.૫ વર્ષનો હતો ત્યારે પહેલી વાર ભારતીય ક્રિકેટ બોર્ડે તેની બોન-ટેસ્ટ કરી હતી. અમને કોઈનાથી ડર નથી. તે ફરીથી ઉંમર બાબતની ટેસ્ટ કરાવી શકે છે.’