સ્ટોક્સ ભવિષ્યમાં IPLના મિની ઑક્શનમાં ભાગ લઈ શકશે નહીં
ફાઇલ તસવીર
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે IPL 2025ના મેગા ઑક્શનમાં ભાગ ન લેવા વિશે હાલમાં મોટું નિવેદન આપ્યું હતું. ૩૩ વર્ષના આ ક્રિકેટરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એ વાત કોઈથી છુપાયેલી નથી કે હું મારી કરીઅરના અંતિમ તબક્કામાં છું. શક્ય હોય ત્યાં સુધી મારી કરીઅરને લંબાવવા માટે મારે શું કરવાની જરૂર છે એના પર વિચાર કરવાનો આ સમય છે. હજી ઘણું ક્રિકેટ બાકી છે. હું બને ત્યાં સુધી ઇંગ્લૅન્ડ માટે રમવા માગું છું.’
સ્ટોક્સ ભવિષ્યમાં IPLના મિની ઑક્શનમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે આ લીગના નવા નિયમો અનુસાર જે ખેલાડીએ મેગા ઑક્શન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તે મિની ઑક્શનમાં ભાગ લઈ શકશે નહીં. સ્ટોક્સ ભૂતકાળમાં ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રૉયલ્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે. ચેન્નઈએ ૨૦૨૩માં તેને ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ ઇન્જરીને કારણે તે માત્ર બે મૅચ રમી શક્યો હતો.