મુંબઈમાં જન્મેલા અમેરિકન બોલર સૌરભ નેત્રવળકરની પણ લાગશે બોલી, ફિટનેસને ધ્યાનમાં રાખીને ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે ન નોંધાવ્યું નામ
જેમ્સ ઍન્ડરસન
૨૪ અને ૨૫ નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત IPL 2025ના મેગા ઑક્શનના ૨૦૪ સ્લૉટ માટે ૧૫૭૪ પ્લેયર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ફ્રૅન્ચાઇઝી દ્વારા રીટેન કરવાની પ્રક્રિયા બાદ અનેક સ્ટાર પ્લેયર્સ આ મેગા ઑક્શનમાં જોવા મળશે. કેટલાક પ્લેયર્સે પહેલી વાર આ મેગા ઑક્શનમાં નામ નોંધાવ્યું છે. મેગા ઑક્શનને લઈને આવી જ કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે.
રિષભ પંત, કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ખલીલ અહેમદ, દીપક ચાહર, વેન્કટેશ ઐયર, આવેશ ખાન, ઈશાન કિશન, મુકેશ કુમાર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ કૃષ્ના, ટી. નટરાજન, દેવદત્ત પડિક્કલ, કૃણાલ પંડ્યા, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, વૉશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ જેવા ભારતીય સ્ટાર પ્લેયરની મેગા ઑક્શનમાં સૌથી વધુ બે કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ હશે.
ADVERTISEMENT
ભારતીય બૅટ્સમૅન સરફરાઝ ખાન અને પૃથ્વી શૉએ ૭૫ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે નોંધણી કરાવી છે.
વિદેશી સ્ટાર ડેવિડ વૉર્નર, જોફ્રા આર્ચર, માર્કસ સ્ટૉઇનિસ, ગ્લેન મૅક્સવેલ, નૅથન લાયન, મિચેલ માર્શ, જોસ બટલર, હૅરી બ્રુક, ટ્રેન્ટ બોલ્ટ, કેન વિલિયમસન અને કૅગિસો રબાડાએ પણ બે કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસમાં નોંધણી કરાવી છે. ગઈ સીઝનમાં IPLની ઇંગ્લિશ કૉમેન્ટરી પૅનલનો ભાગ રહેલા સ્ટીવ સ્મિથે (બે કરોડ) પણ મેગા ઑક્શનથી વાપસી કરી છે.
આ ટુર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર ઑસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્ક (૨૪.૫૦ કરોડ) કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રીટેન ન થઈ શકતાં બે કરોડની બેઝ-પ્રાઇસ સાથે ઑક્શનમાં જોડાયો છે.
નવેમ્બર ૨૦૦૯માં છેલ્લી ઇન્ટરનૅશનલ T20 મૅચ અને ઑગસ્ટ ૨૦૧૪માં આ ફૉર્મેટની છેલ્લી મૅચ રમનાર ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને પણ પોતાના નિર્ણયથી સૌને ચોંકાવ્યાં છે. ૧.૫૦ કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે ૪૨ વર્ષનો આ પ્લેયર પહેલી વાર IPL મેગા ઑક્શનમાં ઊતરશે.
ભારતીય મૂળના ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્રએ ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા રીટેન ન કરવામાં આવતાં મેગા ઑક્શનમાં ૧.૫૦ કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે નામ નોંધાવી દીધું છે.
આ વર્ષની શરૂઆતમાં T20 વર્લ્ડ કપ દરમ્યાન પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચનાર મુંબઈમાં જન્મેલો અમેરિકન ફાસ્ટ બોલર સૌરભ નેત્રવળકર પણ ઑક્શનમાં પોતાનું નસીબ અજમાવશે. આ સૉફ્ટવેર એન્જિનિયરે પોતાની કિંમત ૩૦ લાખ રૂપિયા રાખી છે.
વર્ક લોડ મૅનેજમેન્ટ અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે છેલ્લી IPL સીઝનમાં ન રમનાર ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે ફરી પાછો એ જ વિકલ્પ પસંદ કર્યો છે. આ ઑલરાઉન્ડર હૅમસ્ટ્રિંગ ઇન્જરીમાંથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યો છે એથી તેણે ઑક્શનની ઍક્શનમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે.
આ ઑક્શનમાં ૧૧૬૫ ભારતીય અને ૪૦૯ વિદેશી પ્લેયર્સનાં ભાવિનો નિર્ણય થશે. આ લિસ્ટમાં ૪૮ ભારતીય કૅપ્ડ, ૨૭૨ ઇન્ટરનૅશનલ કૅપ્ડ, ૯૬૫ ભારતીય અનકૅપ્ડ, ૧૦૪ ઇન્ટરનૅશનલ અનકૅપ્ડ, અગાઉની સીઝનનો ભાગ રહેલા ૧૫૨ ભારતીય અનકૅપ્ડ તથા ૩ ઇન્ટરનૅશનલ અનકૅપ્ડ તથા ૩૦ અસોસિએટ નેશન્સના પ્લેયર્સનો સમાવેશ છે.