હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં ગુજરાતને ૧૧ જીત અને ૪ હાર મળી હતી, જ્યારે મુંબઈને માત્ર ૪ મૅચમાં જીત અને ૧૧ મૅચમાં મળી છે કારમી હાર. ૨૦૨૨ અને ૨૦૨૩માં ગુજરાત ટાઇટન્સને ફાઇનલ સુધી પહોંચાડનાર હાર્દિક પંડ્યાનો મુંબઈની ટીમમાં કૅપ્ટન્સીનો રેકૉર્ડ ખરાબ રહ્યો.
હાર્દિક પંડ્યા
શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ૩૬ રને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ સતત ચોથી વાર અને ઓવરઑલ આઠમી વાર સીઝનની પહેલી બે મૅચ હાર્યું હતું. ૨૦૨૨ અને ૨૦૨૩માં ગુજરાત ટાઇટન્સને ફાઇનલ સુધી પહોંચાડનાર હાર્દિક પંડ્યાનો મુંબઈની ટીમમાં કૅપ્ટન્સીનો રેકૉર્ડ ખરાબ રહ્યો છે.
હાર્દિકની કૅપ્ટન્સીમાં ગુજરાતે ૩૧માંથી બાવીસ મૅચમાં જીત મેળવી હતી અને માત્ર ૯ મૅચમાં હારનો સામનો કર્યો હતો, પણ બન્ને ફ્રૅન્ચાઇઝી માટે પહેલી ૧૫ મૅચના કૅપ્ટન્સીના આંકડાની વાત કરીએ તો કેટલાક રસપ્રદ આંકડા સામે આવી રહ્યા છે. હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં GTને ૧૧ મૅચમાં જીત અને ૪ મૅચમાં હાર મળી હતી, જ્યારે MIને માત્ર ચારમાં જીત મળી છે અને ૧૧ મૅચમાં એણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ૧૫ મૅચના કિસ્સામાં ગુજરાતમાં હાર્દિકની કૅપ્ટન્સીમાં જીતની ટકાવારી ૭૩.૩૩ ટકા હતી, પણ મુંબઈમાં હમણાં સુધીની ૧૫ મૅચમાં જીતની ટકાવારી ૨૬.૬૭ ટકા રહી છે.
"અમે ફીલ્ડિંગમાં પ્રોફેશનલ રીતે રમ્યા નહોતા, જેને કારણે અમે કદાચ ૨૦-૨૫ રન ગુમાવ્યા. બૅટ્સમેનોએ પણ સારું પ્રદર્શન કરવું પડશે." - ગુજરાત સામેની મૅચ બાદ મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા

