નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈને ત્રણેય મૅચમાં હરાવ્યું છે હોમ ટીમ ગુજરાતે
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ગઈ કાલે મુંબઈના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા અને તિલક વર્મા સાથે વાતચીત કરી રહેલો ગુજરાતનો મોહમ્મદ સિરાજ.
IPL 2025ની નવમી મૅચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. હાર સાથે સીઝનની શરૂઆત કરનારી બન્ને ટીમ આજે પોતાની પહેલી જીત સાથે આત્મવિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરશે. મુંબઈ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આ મૅચ પડકારજનક રહેશે, કારણ કે મુંબઈને અમદાવાદમાં ગુજરાત સામે રમેલી ત્રણેય મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ ગુજરાત સામે બે જીત નોંધાવી છે.
ADVERTISEMENT
કૅપ્ટન હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સના ઑલરાઉન્ડર રાશિદ ખાન સાથે.
એક મૅચના પ્રતિબંધ બાદ કૅપ્ટન હાર્દિક પંડ્યાની વાપસીથી મુંબઈની ટીમને યોગ્ય સંતુલન મળશે. પંજાબ સામે હાઈ સ્કોરિંગ મૅચમાં અગિયાર રને હારનારી ગુજરાતની ટીમનું બૅટિંગ યુનિટ પોતાનું ફૉર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બન્ને ટીમ માટે બોલિંગ યુનિટ ચિંતાનો વિષય છે. મુંબઈનું બોલિંગ યુનિટ જસપ્રીત બુમરાહ વિના સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે ગુજરાતના સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા પહેલી મૅચમાં એક પણ વિકેટ લીધા વગર અનુક્રમે ૫૪ અને ૪૧ રન આપીને નિષ્ફળ સાબિત થયા હતા.
મુંબઈના ફાસ્ટ બોલર દીપક ચાહર સાથે ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ.
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૫ |
GTની જીત |
૦૩ |
MIની જીત |
૦૨ |
IPLમાં ૭૦ રનનો સ્કોર પાવરપ્લે માટે બેન્ચમાર્ક બની ગયો છે : પાર્થિવ પટેલ
ગુજરાત ટાઇટન્સના બૅટિંગ-કોચ પાર્થિવ પટેલે IPLમાં બૅટ્સમેનોની નિર્ભય બૅટિંગ વિશે વાત કરતાં કહ્યું કે ‘રણનીતિ ખૂબ મોટા પાયે બનાવવામાં આવે છે. જ્યારે હું થોડાં વર્ષો પહેલાં રમતો હતો ત્યારે લગભગ ૪૫ રનનો પાવરપ્લે સ્કોર સારો માનવામાં આવતો હતો. ત્યાર બાદ એ ૫૦ રન અને પછી પંચાવનથી ૬૦ રન થઈ ગયો. આમ છતાં પરિસ્થિતિ પર પણ ધ્યાન આપવું પડશે. જો તમે ચેન્નઈમાં રમી રહ્યા છો તો ૧૫૦ રન એક સારો ટોટલ સ્કોર છે અને ત્યાં પાવરપ્લેમાં ટીમ પાસેથી ૭૦ કે ૮૦ રન બનાવવાની અપેક્ષા નથી, પરંતુ જો આપણે હવેની બધી મૅચો જોઈએ તો ૭૦ રન એ બેન્ચમાર્ક છે. તમે કોઈ પણ સ્થિતિમાં રમો છો, પરંતુ બેન્ચમાર્ક ૪૫થી ઉપર ગયો છે. હવે બૅટ્સમેન ડરતા નથી, તેઓ કોઈ પણ ડર વગર રમે છે. નિષ્ણાતો તેમની મદદ કરવા માટે હાજર છે. દરેક વ્યક્તિ ચોગ્ગા ફટકારવામાં સક્ષમ છે.’

