Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૦૨૨ની જેમ ૧૦ મૅચ હારીને પૉઇન્ટ્સ-ટેબલમાં દસમા ક્રમે રહ્યું મુંબઈ

૨૦૨૨ની જેમ ૧૦ મૅચ હારીને પૉઇન્ટ્સ-ટેબલમાં દસમા ક્રમે રહ્યું મુંબઈ

19 May, 2024 07:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને સીઝનની કૉમન વાત એ રહી કે મુંબઈ પૉઇન્ટ્સ-ટેબલમાં દસમા સ્થાને રહી હતી

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા


મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન ૧૭ની અંતિમ લીગ સ્ટેજ મૅચ એકબીજા સામે રમી હતી, જેમાં કે.એલ. રાહુલની ટીમે ૧૮ રનથી જીત મેળવી મુંબઈને અલવિદા કહ્યું હતું. લખનઉની ટીમે ૬ વિકેટ ગુમાવીને ૨૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. રન-ચેઝ કરવા ઊતરેલી મુંબઈની ટીમ ૬ વિકેટના નુકસાન સાથે ૧૯૬ રન બનાવી શકી હતી. 


નવા કૅપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈની ટીમે ૮ પૉઇન્ટ્સ મેળવીને દસમી હાર સાથે સીઝનનો અંત કર્યો હતો. આ પહેલાં ૨૦૨૨ની સીઝનમાં પણ ૧૦ હારનો સામનો મુંબઈએ કરવો પડ્યો હતો. બન્ને સીઝનની કૉમન વાત એ રહી કે મુંબઈ પૉઇન્ટ્સ-ટેબલમાં દસમા સ્થાને રહી હતી. પાંચ વખતની ચૅમ્પિયન ટીમ મુંબઈ સાતમી વખત પ્લેઑફ માટે ક્વૉલિફાય કરી શકી નથી.



કઈ સીઝનમાં સૌથી વધુ 
મૅચ હારી મુંબઈએ? 
સીઝન    કેટલી મૅચ હારી?
૨૦૨૪     ૧૦
૨૦૨૨    ૧૦
૨૦૦૯     ૦૮
૨૦૧૪     ૦૮
૨૦૧૮     ૦૮


ત્રણ સીઝનમાં કૅપ્ટન હાર્દિક પંડ્યાની કામગીરી કેવી રહી?

મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વખત ચૅમ્પિયન બનાવનાર રોહિત શર્માના સ્થાને કૅપ્ટન બનનાર હાર્દિક પંડ્યાને ૧૭મી સીઝનની શરૂઆતથી જ ફૅન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ફૅન્સના હૂટિંગ અને ટીમમાં એકતાના અભાવની અસર ટીમના પ્રદર્શન પર પડી હતી. છેલ્લી બે સીઝન સુધી કૅપ્ટન તરીકે ગુજરાતને IPL ફાઇનલમાં પહોંચાડનાર હાર્દિક પંડ્યાની જેવી મુંબઈમાં વાપસી થઈ કે તેની સાથે તેની ટીમનું પણ પ્રદર્શન ખરાબ રહ્યું. છેલ્લી બે સીઝન કરતાં બૅટિંગમાં પંડ્યાએ ઓછા રન બનાવ્યા અને બોલિંગમાં થોડો સારો સાબિત થયો. 


પંડ્યાનો ત્રણ સીઝનમાં બૅટિંગ-રેકૉર્ડ
સીઝન     રન
૨૦૨૨     ૪૮૭
૨૦૨૩     ૩૪૬
૨૦૨૪     ૨૧૬
પંડ્યાનો ત્રણ સીઝનમાં બોલિંગ-રેકૉર્ડ
સીઝન    વિકેટ
૨૦૨૨    ૧૦
૨૦૨૩    ૧૧
૨૦૨૪    ૧૨

અર્જુન તેન્ડુલકર ફરી સાબિત થયો ‘ફૂસકી બૉમ્બ’

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી અંતિમ લીગ મૅચમાં જસપ્રીત બુમરાહ (૨૦ વિકેટ)ની જગ્યાએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પણ તે ‘ફૂસકી બૉમ્બ’ સાબિત થયો હતો. ૨.૨ ઓવર ફેંકી તેણે ૯.૪૩ની ઇકૉનૉમીથી બાવીસ રન આપ્યા, પરંતુ એક પણ વિકેટ લઈ ન શક્યો. ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસ સામે ગુસ્સો બતાવનાર અર્જુન પોતાનો ૪ ઓવરનો ક્વોટા પૂરો કરી શક્યો નહોતો. ૨.૨ ઓવર બાદ તે બોલિંગ કરવામાં અસમર્થ દેખાતાં રિટાયર્ડ હટ થઈ મેદાનની બહાર થયો હતો. તેની ઓવરના બાકીના ૪ બૉલ નમન ધીરે ફેંક્યા હતા. ગઈ સીઝનમાં મુંબઈ તરફથી ડેબ્યુ કરનાર અર્જુન તેન્ડુલકરે ૪ મૅચમાં ૯.૫ ઓવર ફેંકીને ૯.૩૬ની ઇકૉનૉમીથી ૯૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી. દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન પાસે ફૅન્સ વધુ સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે. 

IPL 2025ની પ્રથમ મૅચ કેમ નહીં રમી શકે હાર્દિક પંડ્યા?
દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંત બાદ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાને સીઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર-રેટના દંડ સ્વરૂપે ૩૦ લાખ રૂપિયા અને એક મૅચના પ્રતિબંધની સજા કરવામાં આવી છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં સ્લો ઓવર-રેટને કારણે ઇમ્પૅક્ટ પ્લેયર રોહિત શર્મા સહિત આખી ટીમની ૫૦ ટકા મૅચ-ફી કાપવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નેક્સ્ટ સીઝનમાં હાર્દિક પંડ્યા કૅપ્ટન હશે કે નહીં? મુંબઈ માટે રમશે કે નહીં? એના વિશે કોઈને ખબર નથી, પરંતુ વર્તમાન સીઝનની તમામ ૧૪ લીગ સ્ટેજ પૂરી થઈ 
જવાના કારણે IPL 2025માં હાર્દિક પંડ્યા પોતાની પ્રથમ મૅચ રમી શકશે નહીં. 

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2024 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK