બૅન્ગલોર સામે ખડક્યા ૩ વિકેટે ૨૮૭ રન : ટ્રૅવિસ હેડના ૪૧ બૉલમાં ૧૦૨, IPLની ફોર્થ ફાસ્ટેસ્ટ સદી
રનોનો વરસાદ વરસ્યો : હૈદરાબાદના ૩ વિકેટે ૨૮૭ના જવાબમાં બૅન્ગલોરે કર્યા ૭ વિકેટે ૨૬૨
ગઈ કાલની મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ૩ વિકેટે ૨૮૭ રનનો ખડકલો કરીને IPLના ઇતિહાસના સર્વોચ્ચ સ્કોરનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે. હૈદરાબાદે હજી ૨૭ માર્ચે જ મુંબઈ ઇન્ડિયન્સ સામે ત્રણ વિકેટે ૨૭૭ રન ખડકી દઈને આ રેકૉર્ડ બનાવ્યો હતો. ગઈ કાલે હૈદરાબાદના બૅટરોએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના બોલરોની ધોલાઈ કરી નાખી હતી. હૈદરાબાદના ટ્રૅવિસ હેડે માત્ર ૪૧ બૉલમાં ૧૦૨ રન કર્યા હતા જેમાં ૮ સિક્સ અને ૯ ફોરનો સમાવેશ હતો. IPLની આ ફોર્થ ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે. આ પહેલાં બૅન્ગલોરના ક્રિસ ગેઇલે ૨૦૧૩માં પુણે વૉરિયર્સ સામે ૩૦ બૉલમાં, કલકત્તાના યુસુફ પઠાણે ૨૦૧૦માં મુંબઈ સામે ૩૭ બૉલમાં, ગુજરાતના ડેવિડ મિલરે બૅન્ગલોર સામે ૩૮ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. ગઈ કાલે હેન્રિક ક્લાસેને ૭ સિક્સ અને બે ફોરની મદદથી ૪૧ બૉલમાં ૬૭ રન કર્યા હતા. હૈદરાબાદે ગઈ કાલે IPLની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ મારવાનો બૅન્ગલોરનો રેકૉર્ડ તોડ્યો હતો. હૈદરાબાદે ગઈ કાલે બાવીસ સિક્સ મારી હતી, બૅન્ગલોરે ૨૦૧૩માં પુણે વૉરિયર્સ સામે ૨૧ સિક્સ મારી હતી.