IPL 2024 : મુંબઈ ઇન્ડિયન્સના કોચ માર્ક બાઉચરે કહ્યું કે, રોહિતને કેપ્ટનશિપથી હટાવવાનો નિર્ણય યોગ્ય હતો; રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે જણાવી હકીકત
મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ઘણો સમય સાથે રમ્યા હતા (ફાઇલ તસવીર : સૌજન્ય બીસીસીઆઇ)
ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલ (Indian Premiere League - IPL)ની આગામી સિઝનને શરુ થવામાં હવે થોડાક જ મહિનાઓ બાકી છે. ત્યારે આઇપીએલ (IPL 2024)ની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ની ટીમે થાક સમય પહેલાં રોહિત શર્મા (Rohit Sharma)ની જગ્યાએ હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ફ્રેન્ચાઈઝીના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ ગુમાવ્યા હતા એટલું જ નહીં આ નિર્ણયની તેમણે નિંદા પણ કરી હતી. જોકે, તાજેતરમાં મુંબઈ ઇન્ડિયન્સના કોચ માર્ક બાઉચર (Mark Boucher)એ એક પોડકાસ્ટમાં નેતૃત્વ માળખામાં આ ફેરફાર પાછળનો તર્ક સમજાવ્યો હતો. પછી, રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ (Ritika Sajdeh)એ સોશ્યલ મીડિયા પર એક ટિપ્પણી પોસ્ટ કરી છે જેની ઇન્ટરનેટ પર સતત ચર્ચા થઈ રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચરે એક પોડકાસ્ટમાં રોહિત શર્માની કેપ્ટનશીપ બદલવાના નિર્ણયને સંપૂર્ણ રીતે `ક્રિકેટિંગ` નિર્ણય તરીકે વર્ણવવામાં આવ્યો હતો. કારણ કે ફ્રેન્ચાઇઝીનો ઇરાદો રોહિતના ખભા પરથી થોડો બોજ ઉતારવાનો હતો, જ્યારે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે આગળ વધવાની તક આપે છે. નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ની ટીમ સતત બે IPL ફાઈનલમાં પહોંચી હતી અને એકવાર ટાઇટલ પોતાને નામ પણ કર્યું હતું.
ADVERTISEMENT
માર્ક બાઉચરે સ્મેશ સ્પોર્ટ્સ પોડકાસ્ટ પર જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે આ સંપૂર્ણ રીતે ક્રિકેટનો નિર્ણય હતો. અમે હાર્દિક પંડ્યાને ખેલાડી તરીકે પાછો લાવવા માટે વિન્ડો પીરિયડ જોયો. મારા માટે આ સંક્રમણનો તબક્કો છે. ભારતમાં ઘણા લોકો સમજી શકતા નથી, લોકો ખૂબ જ લાગણીશીલ થઈ જાય છે, પરંતુ તમે જાણો છો, લાગણીઓને તેનાથી દૂર રાખો. મને લાગે છે કે આ માત્ર ક્રિકેટનો નિર્ણય છે જે લેવામાં આવ્યો હતો અને મને લાગે છે કે તે એક ખેલાડી તરીકે રોહિતમાં શ્રેષ્ઠ પ્રદર્શન લાવશે. બસ તેને બહાર જવા દો અને આનંદ કરો અને કેટલાક સારા રન બનાવવાનો મોકો આપો.’
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પોડકાસ્ટ પર કમેન્ટ્સ સેક્શનમાં પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે, ‘આમાં ઘણી બધી વસ્તુઓ ખોટી છે.’
પોડકાસ્ટમાં આગળ બાઉચરે જણાવ્યું છે કે, તે ઇચ્છે છે કે રોહિત તેની બેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે, તેથી હાર્દિકને સ્પોટલાઇટ આપીને, હિટમેનને મુક્તપણે રમવાની મંજૂરી આપીને તેની પાસેથી કેપ્ટનશિપની જવાબદારી પાછી લેવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે, ‘મેં રો (રોહિત) પાસેથી એક વાત શીખી કે તે એક અદ્ભુત વ્યક્તિ છે. મારો મતલબ કે તે લાંબા સમયથી કેપ્ટનશિપ કરી રહ્યો છે અને તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. હવે તે ભારતનું નેતૃત્વ પણ કરે છે. તે એટલા માટે છે કારણ કે તે આગળ વધે છે. એક જગ્યાએ અને તેમાં ફક્ત કેમેરા છે અને તે ખૂબ જ વ્યસ્ત છે અને છેલ્લી કેટલીક સીઝનમાં તેણે બેટ સાથે સારું પ્રદર્શન કર્યું નથી, પરંતુ એક કેપ્ટન તરીકે તેણે સારું પ્રદર્શન કર્યું છે.’
જો કે આ પોડકાસ્ટનો વિડિયો બાદમાં સોશ્યલ મીડિયા પરથી ડિલીટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં રિતિકાની વાત જંગલની આગની જેમ ફેલાઈ ગઈ હતી.

