IPLમાં ધોનીની ટીમ સૌથી વધુ મૅચ કોહલીની ટીમ સામે જીતી છે એ રેકૉર્ડ પણ મજબૂત કર્યો
શુક્રવારે મૅચ પછી બન્ને ટીમના કૅપ્ટન
શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB) સામેની IPL 2024ની સૌપ્રથમ મૅચ જીતીને આ ટીમ સામેનો પોતાનો રેકૉર્ડ વધુ મજબૂત કરી લીધો છે. શુક્રવારની મૅચ પહેલાં CSKએ RCB સામે ૩૧માંથી ૨૦ મૅચ જીતી હતી, જે IPLમાં CSKએ કોઈ પણ હરીફ સામે જીતેલી સૌથી વધુ મૅચ છે. હવે RCB સામે CSKએ ૩૨ મૅચમાં એકવીસમો વિજય મેળવ્યો છે.
આ ઉપરાંત CSKએ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર IPLની ૨૦૦૮ની સૌપ્રથમ સીઝન પછીનો RCB સામેનો રેકૉર્ડ તૂટવા નથી દીધો. ચેન્નઈમાં RCBએ ૨૦૦૮ની ૨૧ મેએ CSKને ૧૪ રનથી હરાવ્યું ત્યાર પછી આ શુક્રવારની ગણીને આઠેઆઠ મૅચ ગુમાવી છે.
શુક્રવારના મુકાબલામાં RCBએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા, જેના જવાબમાં CSKએ ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ૪ ઓવરમાં ૨૯ રન આપીને ૪ વિકેટ લેનાર CSKનો બંગલાદેશી બોલર મુસ્તફિઝુર રહમાન મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

