કલકત્તાની જીત પછી શાહરુખ ખાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરતે ચક્કર મારીને પ્રેક્ષકોનું અભિવાદન કરી રહ્યો છે એ જાણીને લોકો રિટર્ન થયા
IPL 2024
શાહરુખ ખાને મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચક્કર મારીને તેની આગવી સ્ટાઇલમાં પ્રેક્ષકોનો આભાર માન્યો હતો. શાહરુખ ખાન સાથે તેની દીકરી સુહાના અને દીકરો અબરામ પણ જોડાયાં હતાં. (તસવીરઃ જનક પટેલ)
કોલકાતા નાઇટ રાઇડર્સે મંગળવારે રાતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય મેળવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધા બાદ પહેલી વાર સ્ટેડિયમમાં એવી ઘટના બની જેમાં સ્ટેડિયમ છોડીને બહાર નીકળી ગયેલા ૨૫,૦૦૦થી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં પાછા દોડી આવ્યા હતા. આ બધા પ્રેક્ષકોને ખબર પડી કે આખા સ્ટેડિયમમાં શાહરુખ ખાન ચક્કર મારી રહ્યો છે એટલે તેઓ સ્ટેડિયમમાં પાછા આવ્યા હતા. સ્ટેડિયમમાં ઉપસ્થિત અંદાજે ૬૦,૦૦૦થી વધુ પ્રેક્ષકોને શાહરુખ ખાને પોતાની આગવી અદાથી સ્પેશ્યલ ફીલ કરાવ્યું હતું.
ADVERTISEMENT
કલકત્તાએ વિજય મેળવીને IPLની ફાઇનલમાં પ્રેવશ મેળવી લીધા બાદ ટીમના ઓનર અને બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત સૌ પ્રેક્ષકોનું પોતાની આગવી સ્ટાઇલથી અભિવાદન કરતાં પ્રેક્ષકો આફરીન પોકારી ગયા હતા. શાહરુખ ખાને સ્ટેડિયમની ફરતે ચક્કર મારીને પ્રેક્ષકોને ફ્લાઇંગ કિસ આપીને તેમ જ બે હાથ પહોળા કરીને તેની સિગ્નેચર-સ્ટાઇલમાં પ્રેક્ષકોનો આભાર માન્યો હતો. શાહરુખ ખાન વીસેક મિનિટ સુધી સ્ટેડિયમની ફરતે ચક્કર મારતો રહ્યો અને એ દરમ્યાન તેણે સતત ફ્લાઇંગ કિસ આપી તેમ જ હાથ જોડીને પગે લાગી ઠેર-ઠેર ઊભા રહીને બે હાથ પહોળા કરીને સૌનું અભિવાદન કર્યું હતું. શાહરુખ ખાન સાથે તેની દીકરી સુહાના અને દીકરો અબરામ પણ હતાં. તેમણે પણ પપ્પા શાહરુખ સાથે ચક્કર માર્યાં હતાં અને પિતા પ્રત્યેની અમદાવાદના ચાહકોની દીવાનગી જોઈને ખુશ થઈ ગયાં હતાં.