IPLની ૧૭ સીઝનમાં ૬ ફ્રૅન્ચાઇઝી માટે રમનાર દિનેશ કાર્તિકે રાજસ્થાન રૉયલ્સ સામે અંતિમ મૅચ રમી
IPL 2024
દિનેશ કાર્તિક
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ૬ ટીમો માટે ૨૫૭ મૅચ રમીને બાવીસ ફિફ્ટીની મદદથી ૪૮૪૨ રન બનાવનાર, વિકેટકીપર તરીકે ૧૪૫ કૅચ અને ૩૭ સ્ટમ્પિંગ કરનાર દિનેશ કાર્તિકે રાજસ્થાન રૉયલ્સ સામે પોતાના કરીઅરની અંતિમ મૅચ રમી હતી. એલિમિનેટર મૅચ પહેલાં પોતાની અંતિમ IPL સીઝન રમી રહ્યો હોવાનું જાહેર કરનાર ૩૯ વર્ષના વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે આંખમાં આંસુ સાથે અને ૨૦ વર્ષના કરીઅરની રોમાંચક સફરને યાદ કરીને ભાવુક થઈને મેદાન છોડ્યું એ સમયે તેની ટીમે તેને ગાર્ડ ઑફ ઓનર આપ્યું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર દરેક વ્યક્તિએ તેને તાળીઓથી વધાવી લીધો.
ટુર્નામેન્ટની શરૂઆતથી દિલ્હી કૅપિટલ્સ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સહિતની ૬ ફ્રૅન્ચાઇઝી સાથે રમનાર દિનેશ કાર્તિક IPLમાં સૌથી વધુ ટીમો માટે રમનાર બીજો ખેલાડી છે. ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ઍરોન ફિન્ચ IPLમાં ૯ ફ્રૅન્ચાઇઝીઓ માટે રમી ચૂક્યો છે.
ADVERTISEMENT
છેલ્લાં ત્રણ વર્ષથી બૅન્ગલોર સાથે ફિનિશરની ભૂમિકામાં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર કાર્તિકે ભારત માટે ૨૬ ટેસ્ટ, ૯૪ વન-ડે અને ૬૦ T20 આંતરરાષ્ટ્રીય મૅચ રમી છે. ૨૦૧૮માં તેણે કોલંબોમાં બંગલાદેશ સામે નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં છેલ્લા બૉલ પર સિક્સર ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી. આ મૅચમાં તેણે આઠ બૉલમાં ૨૯ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. એ સમયે આ મૅચનો અંતિમ ઓવરનો વિડિયો યુટ્યુબમાં સૌથી વધુ જોવાયેલો ક્રિકેટ-વિડિયો હતો. કાર્તિક ટૂંક સમયમાં કૉમેન્ટરી બૉક્સમાં પરત ફરશે અને દેશની બહાર T20 લીગમાં રમતો જોવા મળશે.