બાવીસમી મેથી શરૂ થતી હૉકી પ્રો લીગ માટે ૨૪ સભ્યોની ભારતીય ટીમ જાહેર થઈ , ભારતીય વિમેન્સ ટીમે બંગલાદેશ સામેની T20 સિરીઝમાં ૫-૦થી ક્લીન સ્વીપ કરી
IPL 2024
મુંબઈ ઈંડિયંસની ટીમ
પાંચ વખત ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ (IPL)ના ચૅમ્પિયન બનેલા મુંબઈ ઇન્ડિયન્સ ૧૭મી સીઝનમાં કંગાળ પ્રદર્શનને કારણે એલિમિનેટ થઈ ગયા છે. ૨૦૨૨ બાદ બીજી વખત મુંબઈ ઇન્ડિયન્સ સીઝનમાં એલિમિનેટ થનારી પ્રથમ ટીમ બની છે. ૧૦ વર્ષથી મુંબઈની ટીમનું નેતૃત્વ કરનાર રોહિત શર્માને સ્થાને લેટેસ્ટ સીઝનમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સામેલ કરીને ટીમની કમાન સોંપવામાં આવી હતી. નેતૃત્વ-પરિવર્તનનો સામનો કરી રહેલી આ ટીમ સીઝન દરમ્યાન બે ગ્રુપમાં વિભાજિત પણ થઈ હતી, જેની અસર ટીમના પ્રદર્શન પર જોવા મળી હતી. હમણાં સુધીની ૧૨ મૅચમાંથી મુંબઈની ટીમને ૮ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બે વખત હારની હૅટ-ટ્રિક કરનાર કૅપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ શરૂઆતથી જ પૉઇન્ટ્સ-ટેબલમાં બૉટમમાં રહી છે.
બાવીસમી મેથી શરૂ થતી હૉકી પ્રો લીગ માટે ૨૪ સભ્યોની ભારતીય ટીમ જાહેર થઈ
બાવીસમી મેથી શરૂ થનારી ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશનની હૉકી પ્રો લીગના યુરોપ ચરણ માટે ૨૪ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારત યુરોપ લેગમાં કુલ આઠ મૅચ રમશે. ટીમ બે તબક્કાની ટુર્નામેન્ટમાં આર્જેન્ટિના, બેલ્જિયમ, જર્મની અને ગ્રેટ બ્રિટન સામે બે-બે મૅચ રમશે. પ્રથમ ચરણ બેલ્જિયમમાં બાવીસથી ૩૦ મે સુધી રમાશે, જ્યારે બીજું ચરણ પહેલીથી ૧૨ જૂન સુધી લંડનમાં રમાશે.
ભારતીય વિમેન્સ ટીમે બંગલાદેશ સામેની T20 સિરીઝમાં ૫-૦થી ક્લીન સ્વીપ કરી
બંગલાદેશની ધરતી પર પાંચ મૅચની T20 સિરીઝ રમવા ઊતરેલી ભારતીય વિમેન્સ ટીમે સિરીઝમાં ૫-૦થી ક્લીન સ્વીપ કરી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં પાંચમી T20માં ભારતીય ટીમે પાંચ વિકેટ ગુમાવીને ૧૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. બંગલાદેશની ટીમ ૬ વિકેટે ૧૩૫ રન બનાવી શકી, જેને કારણે અંતિમ મૅચમાં ભારતે ૨૧ રનથી જીત મેળવી હતી. આ મૅચમાં ૩ વિકેટ લઈ પ્લેયર ઑફ ધ મૅચ બનનાર રાધા યાદવ પાંચ મૅચમાં ૧૦ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બની હતી. ભારતીય વિમેન્સ ટીમ હવે ઘરઆંગણે ૧૬ જૂનથી સાઉથ આફ્રિકા સામે ૯ જુલાઈ દરમ્યાન ૩ વન-ડે, ૩ T20 અને ૧ ટેસ્ટ રમશે.
વાનિન્દુ હસરંગા હશે શ્રીલંકન ટીમનો કૅપ્ટન, ‘બેબી મલિન્ગા’ પહેલી વાર રમશે T20 વર્લ્ડ કપ
૧ જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતના પાડોશી દેશ શ્રીલંકાએ પણ પોતાની ટીમ જાહેર કરી છે. ઈજાને લીધે IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ ન બની શકનાર વાનિન્દુ હસરંગા T20 વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમનું નેતૃત્વ કરશે. ૨૦૧૪માં T20 વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ટીમમાં ૨૧ વર્ષના મથીશા પથિરાણાને પણ સામેલ કરવામાં આવ્યો છે. વર્તમાન સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી ૬ મૅચમાં ૧૩ વિકેટ લેનાર બેબી મલિન્ગા ઈજાને કારણે IPL 2024માંથી બહાર થઈ કોલંબો પરત ફર્યો હતો. શ્રીલંકન ટીમ ૩ જૂનથી સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.
શ્રીલંકાની ટીમ : વાનિન્દુ હસરંગા (કૅપ્ટન), ચરિથ અસલંકા (વાઇસ-કૅપ્ટન), કુસલ મેન્ડિસ, પથુમ નિસાંકા, કામિન્દુ મેન્ડિસ, સદિરા સમરાવિક્રમા, ઍન્જેલો મૅથ્યુઝ, દાસુન શનાકા, ધનંજય ડિસિલ્વા, મહીશ થીક્સાના, દુનિથ વેલાગે, દુષ્મંથા ચમીરા, નુવાન તુશારા, મતિશા પથિરાના, દિલશાન મધુશંકા.
રિઝર્વ ખેલાડીઓ : અસિથા ફર્નાન્ડો, વિજયકાંત વિકાન્ત, ભાનુકા રાજપક્ષે, ઝેનિથ લિયાનાગે.