હાર્દિક-સેના પ્લેઑફની રેસમાંથી આઉટ થઈ છે અને હવે પૉઇન્ટ્સ-ટેબલમાં છેલ્લા ક્રમાંકે રહી વિદાય લેવાની નામોશી ન જોવી પડે એનો પ્રયાસ હશે, જ્યારે શ્રેયસના મહારથીઓ ૮ જીત સાથે હાલ ટૉપ પર છે એ જ લય જાળવી રાખવા માગતા હશે
સૉલ્ટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાંચ વખતની ચૅમ્પિયન, પણ આ વખતે પ્લેઑફની રેસમાંથી સૌપ્રથમ આઉટ થનારની નામોશી જોનાર મુંબઈ ઇન્ડિયન્સનો સામનો બે વખતની ચૅમ્પિયન અને હાલ પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપનું સ્થાન ધરાવનાર કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જામવાનો છે. બન્ને ટીમનો આજનો ઇરાદો સ્પષ્ટ હશે. કલકત્તા ૧૧ મૅચમાંથી ૮ જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપમાં છે અને આજની જીત તેમનું પ્લેઑફનું સ્થાન કન્ફર્મ કરી દેશે અને કદાચ ટૉપ-ટૂની દાવેદારી પણ મજબૂત કરી દેશે. તો બીજી તરફ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમમાંની એક મુંબઈ આ વખતે ટુર્નામેન્ટમાંથી સૌથી પહેલાં આઉટ થવાની નાલેશી જોઈ ચૂકી છે, પણ હવે પૉઇન્ટ્સ-ટેબલમાં સૌથી છેલ્લા ક્રમાંકે રહેવાની બીજી નામોશી જોવા ઇચ્છતી નહીં હોય અને બાકીની મૅચોમાં વિજય મેળવી એ ટાળવાના મજબૂત ઇરાદા સાથે જ મેદાનમાં ઊતરશે.
નારાયણ-સૉલ્ટ જોડી દમદાર
ADVERTISEMENT
કલકત્તાને બે વખત ચૅમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરને ફરી ટીમ સાથે મેન્ટર તરીકે જોડવાના કલકત્તાની મૅનેજમેન્ટના નિર્ણયે ટીમને ફરી થનગનતી કરી દીધી છે. T20ના નંબર-ટૂ બૅટર ફિલ સૉલ્ટના ઓપનિંગ પાર્ટનર તરીકે સુનીલ નારાયણને જાળવી રાખવામાં ગંભીરનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે. નારાયણ અને સૉલ્ટના ધમાકાને લીધે જ કલકત્તાએ પહેલાં બૅટિંગ કરતાં આઠ મૅચમાંથી છમાં ૨૦૦ પ્લસનો સ્કોર બનાવ્યો છે. આ સીઝનમાં સૌથી વધુ રનના મામલે નારાયણના ૧૧ મૅચમાં ૩૨ સિક્સર અને ૩૬ ફોર સાથે ૪૬૧ રન પાંચમા ક્રમાંકે અને સૉલ્ટના ૧૧ મૅચમાં ૨૩ સિક્સર અને ૫૦ ફોર સાથે ૪૨૯ રન આઠમા ક્રમાંકે છે. બન્નેને મળીને કુલ ૫૫ સિક્સર અને ૮૫ ફોર સાથે મેદાન ગજવ્યું છે. નારાયણની ૩૨ સિક્સર અભિષેક શર્માની ૩૫ બાદ સેકન્ડ હાઇએસ્ટ છે.
નારાયણ અને સૉલ્ટના સાતત્યભર્યા પર્ફોર્મન્સને લીધે જ ટીમના ફિનિશરો આન્દ્રે રસેલ અને રિન્કુ સિંહ માટે ભાગ્યે જ કંઈ કરવાનું આવ્યું છે. ઉપરાંત આ બન્નેના પર્ફોર્મન્સને લીધે જ કલકત્તાના બોલરોનો, ખાસ કરીને સૌથી મોંઘા મિચલ સ્ટાર્કનું પ્રમાણમાં નબળો પર્ફોર્મન્સ ઢંકાઈ ગયો છે.
કૅપ્ટન હાર્દિક પર હશે ફોકસ
પાંચ વખત ટીમને ચૅમ્પિયન બનાવનાર રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનું કમાન સોંપવાથી નારાજ ચાહકો હવે ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે વધુ દુખી થયા છે. તેમનો ગુસ્સો મુંબઈ મૅનેજમેન્ટ અને હાર્દિક પર સોશ્યલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. અહેવાલો પ્રમાણે ટુર્નામેન્ટમાંથી વહેલી વિદાય બાદ અમુક સિનિયર ખેલાડીઓએ મૅનેજમેન્ટને હાર્દિકની વર્તણૂક વિશે ફરિયાદ કરી છે. આથી આજે મૅચમાં બધું ફોકસ હાર્દિક પર જ રહેશે. હાર્દિકનો પોતાનો પર્ફોર્મન્સ પણ ટીમની જેમ કથળેલો છે અને છેલ્લી પાંચ મૅચમાં ચાર વાર સિંગલ ડિજિટનો સ્કોર જ બનાવી શક્યો છે. આ સીઝનમાં તેનો હાઇએસ્ટ સ્કોર ૪૬ રનનો છે. હાર્દિક પંડ્યા તેનો અસલી ટચ પાછો મેળવે એ મુંબઈ માટે અને ટીમ ઇન્ડિયા માટે મહત્ત્વનું રહેશે. આગામી T20 વર્લ્ડ કપમાં હાર્દિકને ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.
કલકત્તાની ઘરઆંગણે છેલ્લી ટક્કર
ઈડન ગાર્ડન્સમાં આજે આ સીઝનની છેલ્લી મૅચ રમાવાની હોવાથી કલકત્તા શાનદાર જીત સાથે ચાહકોને ખુશ કરીને વિદાય લેવા મક્કમ હશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ
મુંબઈ અને કલકત્તા વચ્ચે કુલ ૩૩ ટક્કર જામી છે. કલકત્તાની ૧૦ જીત સામે મુંબઈ ૨૩ જીત સાથે પ્રભુત્વ ધરાવે છે. જોકે છેલ્લી ૧૦ ટક્કર પર નજર કરીએ તો બન્ને ટીમ પાંચ-પાંચ જીત સાથે બરાબરીમાં છે, પણ છેલ્લી પાંચ ટક્કરમાં તો મુંબઈ એક જ મૅચ જીતી શક્યું છે અને કલકત્તા ચાર-ચાર જીત સાથે મુંબઈ પર હાવી થઈ રહ્યું છે.
આજ પછી કોની સામે ટક્કર?
આજની ટક્કર બાદ મુંબઈ એની છેલ્લી લીગમાં શુક્રવારે વાનખેડેમાં લખનઉ સામે રમશે, જ્યારે કલકત્તા મંગળવારે અમદાવાદમાં ગુજરાત બાદ રવિવાર, ૧૯ મેએ છેલ્લી લીગ મૅચમાં ગુવાહાટીમાં રાજસ્થાન સામે રમશે.