IPLના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીએ બે મૅચમાં ૮ ઓવરમાં ૧૦૦ રન આપીને એકેય વિકેટ નથી લીધી
IPL 2024
મિચેલ સ્ટાર્ક
આજે જીતની હૅટ-ટ્રિક કરશે કલકત્તા? કે પછી દિલ્હી કરશે હિસાબ બરાબર?
ચેન્નઈને હરાવીને આત્મવિશ્વાસથી છલકાતી દિલ્હીની ટક્કર આજે જીતની હૅટ-ટ્રિક પર નજર રાખનાર કોલકાતા નાઇટ રાઇડર્સ સામે વિશાખાપટ્ટનમમાં થશે. દિલ્હીએ રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈને ૨૦ રનથી હરાવ્યું હતું અને એ આ સીઝનમાં એની પ્રથમ જીત હતી. કલકત્તા પ્રથમ બે મૅચ જીતીને ૪ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલ પર બીજા ક્રમે છે.
દિલ્હી માટે સારી શરૂઆત કરાવવાની જવાબદારી ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નર અને પૃથ્વી શૉ પર રહેશે. રિષભ પંત પ્રથમ બે મૅચમાં સરેરાશ પ્રદર્શન બાદ તેના જૂના ફૉર્મમાં પાછો ફર્યો હતો અને તેણે ૩૨ બૉલમાં ૫૧ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાનો ટ્રિસ્ટન સ્ટબ્સ અને ઑસ્ટ્રેલિયાનો મિશેલ માર્શ પણ વિરોધી બોલિંગ-આક્રમણને તોડી પાડવામાં માહિર છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ઍન્રિક નૉર્ખિયાને હજી સુધી લય નથી મળી, તે ઈજાને કારણે લાંબા સમય બાદ પાછો ફર્યો છે. દિલ્હીના ભારતીય બોલરોએ કલકત્તાના મજબૂત બૅટિંગ-ઑર્ડર સામે વધુ સારું રમવું પડશે. દિલ્હીના ફૅન્સ હવે મુકેશ કુમાર અને ખલીલ અહમદ પાસે ફરી એક વાર આક્રમક બોલિંગની આશા રાખશે. દિગ્ગજ બોલર ઇશાન્ત શર્માનો અનુભવ પણ દિલ્હીને કામ લાગી રહ્યો છે.
સતત બે મૅચ જીતનાર કલકત્તાના ઓપનર ફિલ સૉલ્ટ, ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ અને વેન્કટેશ ઐયર સારા ફૉર્મમાં જોવા મળ્યા હતા. કૅપ્ટન શ્રેયસ ઐયરે પણ બૅન્ગલોર સામે રન કર્યા હતા. બોલિંગમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા ફરી એક વાર સૌને પ્રભાવિત કરવા તૈયાર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક પ્રથમ બે મૅચમાં એક પણ વિકેટ લઈ શક્યો નથી. બન્ને મૅચ મળીને તેણે ૮ ઓવરમાં ૧૦૦ રન આપ્યા છે. ૯ વર્ષ બાદ IPLમાં વાપસી કર્યા બાદ પ્રથમ વિકેટ લેવાનું પ્રેશર આજે મિચેલ સ્ટાર્કના ચહેરા પર અચૂક જોવા મળશે.દિલ્હીની ટીમ કલકત્તા સામે ૧૬મી જીત મેળવીને હેડ-ટુ-હેડ રેકૉર્ડ બરાબર કરવાનો ટાર્ગેટ રાખશે.
કલકત્તાની બરાબરી કરશે દિલ્હી? |
કુલ મૅચ ૩૩ |
દિલ્હીની જીત ૧૫ |
કલકત્તાની જીત ૧૬ |
ટાઇ ૦૧ |
ADVERTISEMENT
કઈ સિદ્ધિઓ રાહ જુએ છે પંત અને વૉર્નરની?
કૅપ્ટન રિષભ પંત આજની મૅચમાં ૬૫ રન કરીને IPLમાં દિલ્હી માટે ૩૦૦૦ રન ફટકારનાર પ્રથમ ખેલાડી અને IPLમાં ૨૩મો ખેલાડી બની શકે છે. ડેવિડ વૉર્નર વધુ એક ફિફ્ટી ફટકારીને T20માં ૧૧૧મી ફિફ્ટી ફટકારવાની સિદ્ધિ મેળવી યુનિવર્સલ બૉસને પાછળ છોડી શકે છે. ક્રિસ ગેઇલ અને ડેવિડ વૉર્નર હાલમાં ૧૧૦મી ફિફ્ટી સાથે સૌથી વધારે T20 ફિફ્ટી ફટકારવામાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.
3000
આટલા રન ફટકારનાર દિલ્હીનો પ્રથમ ખેલાડી બનશે રિષભ પંત, જો તે આજે ૬૫ રન કરશે તો.
111
આટલામી T20 ફિફ્ટી ફટકારનાર પ્રથમ બૅટ્સમૅન બની શકે છે
ડેવિડ વૉર્નર
24.75
આટલા કરોડ રૂપિયામાં મિચેલ સ્ટાર્કને ખરીદ્યો હતો કલકત્તાએ