હૈદરાબાદ સામેની કારમી હાર પછી શેઠજી ભડક્યા કૅપ્ટન પર
સંજીવ ગોયન્કા , કૅપ્ટન કે.એલ. રાહુલ
ક્રિકેટ સાથે કરોડો લોકોના ઇમોશન જોડાયેલા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૧૦ વિકેટથી કારમી હાર મળ્યા બાદ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ, ફૅન્સ અને માલિકને ભારે આઘાત લાગ્યો હતો. પ્લેઑફમાં ક્વૉલિફાય થવા લખનઉની ટીમને દરેક મૅચ જીતવી જરૂરી છે ત્યારે હૈદરાબાદ સામે બોલર્સના કંગાળ પ્રદર્શનને કારણે ટીમના માલિક અને બિઝનેસ ટાયકૂન સંજીવ ગોયન્કાએ મૅચ બાદ મેદાન પર આવીને કૅપ્ટન કે.એલ. રાહુલ પર ગુસ્સો કાઢ્યો હતો, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સંજીવ ગોયન્કાની ફર્મે ૨૦૨૨માં સૌથી વધુ ૭૦૯૦ કરોડ રૂપિયાની બોલી લગાવીને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ ૧૦ વર્ષ માટે ખરીદી હતી. કે.એલ. રાહુલની કૅપ્ટન્સીમાં ટીમ પ્રથમ વર્ષે પ્લેઑફમાં પહોંચવામાં સફળ રહી હતી.
સંજીવ ગોયન્કાએ આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ કંઈક આવું જ વર્તન કર્યું હતું. સંજીવ ગોયન્કાએ ૨૦૧૬માં પુણે વૉરિયર્સ ઇન્ડિયા ટીમ ખરીદી હતી. ધોનીના નેતૃત્વમાં IPL 2016માં ટીમ કોઈ ખાસ પ્રદર્શન કરી ન શકી અને પૉઇન્ટ્સ-ટેબલમાં સાતમા ક્રમે રહી હતી. ૨૦૧૭માં તેમણે ટીમનું નામ બદલીને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ કર્યું હતું અને સીઝનની શરૂઆતમાં જ ધોનીને હટાવીને ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને કૅપ્ટન બનાવ્યો હતો. સંજીવ ગોયન્કાના નિર્ણયથી ભારતીય ફૅન્સ ભારે નારાજ થયા હતા.
ADVERTISEMENT
હવે કે. એલ. રાહુલ સાથેના સંજીવ ગોયન્કાના વર્તનને કારણે ફૅન્સ તેને આ ટીમ છોડવાની સલાહ આપી રહ્યા છે. ફૅન્સનું માનવું છે કે હાર બાદ આવી ચર્ચાઓ ડ્રેસિંગ રૂમમાં કે અન્ય સ્થાને થવી જોઈએ, હજારો દર્શકો અને કૅમેરાની સામે એક ખેલાડી સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી.