ત્રણ વર્ષમાં પહેલી વાર ક્વૉલિફાય ન થઈ શકી ગુજરાત ટાઇટન્સ
IPL 2024
વીજળીના કડાકાભડાકા અને વરસાદે પ્રેક્ષકોની મજા બગાડી હતી, પણ ગુજરાતની છેલ્લી હોમ-મૅચ હતી એટલે આતશબાજી કરવામાં આવી હતી અને ખેલાડીઓએ ગ્રાઉન્ડનું ચક્કર મારીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મૅચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી જેના કારણે શુભમન ગિલની ટીમને નુકસાન થયું અને ટીમ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ. સતત બે વર્ષથી પ્લેઑફમાં પહોંચેલી ૨૦૨૨ની IPL ચૅમ્પિયન અને ૨૦૨૩ની રનર-અપ ગુજરાતની ટીમ નવા કૅપ્ટનના નેતૃત્વમાં પહેલી વાર પ્લેઑફ માટે ક્વૉલિફાય થઈ શકી નહીં. મૅચ રદ થતાં બન્ને ટીમને ૧-૧ પૉઇન્ટ મળ્યા હતા. પહેલાંથી જ ક્વૉલિફાય થયેલી શ્રેયસ ઐયરની ટીમે પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું છે. ગુજરાત પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ચૂકી હતી. મૅચ રદ થયા બાદ શુભમન ગિલની ટીમે આખા સ્ટેડિયમમાં ફરીને ફૅન્સનો આભાર માન્યો હતો. અંતિમ હોમ મૅચ માટે ગુજરાતની ફ્રૅન્ચાઇઝીએ શાનદાર આતશબાજીનું આયોજન કર્યું હતું. ગુજરાત (૧૧ પૉઇન્ટ) પોતાની અંતિમ મૅચ ૧૬ મેએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અને કલકત્તા (૧૯ પૉઇન્ટ) રાજસ્થાન રૉયલ્સ સામે ૧૯ મેએ પોતાની અંતિમ લીગ મૅચ રમશે. અંતિમ લીગ મૅચ માટે ગુજરાતની ટીમ ગઈ કાલે અમદાવાદથી રવાના થઈ હતી.