સૌથી વધુ ૧૪ સેન્ચુરીવાળી સીઝન બની IPL 2024: ફાસ્ટેસ્ટ ૧૦૦૦ IPL રન પૂરા કરનાર ભારતીય બન્યો સાઈ સુદર્શન
IPL 2024
શુભમન ગિલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૫૯મી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સે ૩૫ રનથી જીત મેળવી હતી. આ સાથે જ ૨૦૨૩ની રનર-અપ ટીમે શુક્રવારે ૧ લાખ દર્શકોની હાજરીમાં લગભગ ૧ વર્ષ પહેલાં ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. ગુજરાતે પ્રથમ બૅટિંગ કરીને ૩ વિકેટે ૨૩૧ રન ફટકાર્યા હતા. ૨૩૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ચેન્નઈની ટીમ ૮ વિકેટ ગુમાવીને ૧૯૬ રન બનાવી શકી હતી.
૨૩૧ રન એ ગુજરાતનો પોતાનો બીજો હાઇએસ્ટ સ્કોર હતો. આ પહેલાં આ ટીમે ૨૦૨૩માં મુંબઈ સામે ૨૩૩ રન ફટકાર્યા હતા. ગુજરાતે ચેન્નઈ સામે હાઇએસ્ટ સ્કોરના રેકૉર્ડની બરાબરી કરી હતી. આ પહેલાં ૨૦૧૪માં પંજાબ કિંગ્સે ચેન્નઈ સામે ૨૩૧ રન ફટકાર્યા હતા. IPL 2024ની રેકૉર્ડબ્રેક સીઝનમાં દરેક મૅચમાં નવા રેકૉર્ડ બની રહ્યા છે. ગુજરાતના ઓપનર્સે એવી બૅટિંગ કરી કે ૧૭ સીઝન બાદ ૧૦૮૪મી મૅચમાં IPLની ૧૦૦ સેન્ચુરી પૂરી થઈ. કૅપ્ટન શુભમન ગિલ ૧૦૦મી અને સાઈ સુદર્શન ૧૦૧મી સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યા હતા.
ADVERTISEMENT
કૅપ્ટન શુભમન ગિલની આ ચોથી IPL સેન્ચુરી હતી. ઓવરઑલ T20 ફૉર્મેટમાં ૬ સેન્ચુરી સાથે તેણે ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને કે.એલ. રાહુલની બરાબરી કરી હતી. શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૯મી T20 મૅચ રમતાં કુલ ૧૦૭૯ રન ફટકારીને ૧૦૦૦ રનનો માઇલસ્ટોન પણ અચીવ કર્યો હતો.
IPL 2023ની ફાઇનલમાં ૯૬ રન પર આઉટ થનાર ૨૩ વર્ષના સાઈ સુદર્શને ત્રણ સીઝન બાદ પોતાની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. ગુજરાત દ્વારા ૨૦ લાખમાં ખરીદવામાં આવેલા આ બૅટરે સચિન તેન્ડુલકર અને ઋતુરાજ ગાયકવાડનો રેકૉર્ડ તોડ્યો હતો. તે ૨૫ ઇનિંગ્સમાં ૧૦૩૪ રન ફટકારીને IPLમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રન ફટકારનાર ભારતીય બન્યો છે. સચિન-ઋતુરાજે ૩૧ ઇનિંગ્સમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો.
શુભમન ગિલ (૧૦૪ રન) અને સાઈ સુદર્શન (૧૦૩ રન) ગઈ કાલે IPLના ઇતિહાસમાં એકસાથે સેન્ચુરી મારનારા સૌપ્રથમ ઓપનર્સ બન્યા હતા. આ પહેલાં સેન્ચુરી મારીને એક ઓપનર આઉટ થયા પછી બીજા ઓપનરે પણ સદી ફટકારી હોય એવું બન્યું છે.
એક સીઝનમાં સૌથી વધુ સેન્ચુરી
સીઝન સેન્ચુરી
૨૦૨૪ ૧૪
૨૦૨૩ ૧૨
૨૦૨૨ ૦૮
૨૦૧૬ ૦૭