સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની માલિક કાવ્યા મારન વિશે તેમણે લખ્યું છે કે...
IPL 2024
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને કોલકાતા નાઇટ રાઇડર્સે વિજય મેળવ્યો હતો એનો આઘાત અમિતાભ બચ્ચનને પણ લાગ્યો હતો. સૌ કોઈ સફળતા માટે કલકત્તાને અભિનંદન આપી રહ્યા હતા એવા સમયે અમિતાભ બચ્ચને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની માલિક કાવ્યા મારનને આંસુ છુપાવતાં જોઈને તેમના માટે ભાવુક બ્લૉગ લખ્યો હતો.
અમિતાભ બચ્ચને તેમના આ બ્લૉગમાં લખ્યું હતું કે IPLની ફાઇનલ પૂરી થઈ છે અને કોલકાતા નાઇટ રાઇડર્સે શાનદાર જીત મેળવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માત ખાઈ ગઈ. ઘણી બાબતે આ નિરાશાજનક છે, કારણ કે હૈદરાબાદની ટીમ સારી છે અને જ્યારે તેમણે બીજી મૅચો રમી છે ત્યારે તેમનો સારો દેખાવ જોયો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની માલિક કાવ્યા મારન વિશે તેમણે આગળ લખ્યું છે કે ‘જે બાબત જોવામાં સૌથી માર્મિક હતી એ હતી સ્ટેડિયમમાં ઉપસ્થિત સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની માલિક, સુંદર યુવા મહિલા. ટીમના પરાજય બાદ તે ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. તેણે પોતાનો ચહેરો કૅમેરાથી દૂર કર્યો જેથી તેની ભાવનાઓને તે પ્રદર્શિત ન કરી શકે. મને તેના માટે ઘણું ખરાબ લાગ્યું. કોઈ વાત નહીં, આવતી કાલે એક ઑર દિવસ છે, મારી પ્રિય.’
ADVERTISEMENT
હૈદરાબાદી ટીમને ઓનર કાવ્યા મારનનો સ્પેશ્યલ મેસેજ
ફાઇનલમાં હાર બાદ કાવ્યા મારને સનરાઇઝર્સ હૈદરાબાદના ડ્રેસિંગ રૂમમાં જઈને કૅપ્ટન પૅટ કમિન્સ અને હેડ કોચ ડૅનિયલ વેટોરીની સાથે વાતચીત કરી હતી. ટીમના ખેલાડીઓને પ્રોત્સાહન આપતાં તેણે કહ્યું હતું કે ‘તમે મને અને ફૅન્સને ગૌરવ અપાવ્યું છે. તમે T20 ક્રિકેટ રમવાની શૈલી જ બદલી નાખી છે. ચારેય તરફ આપણી જ ચર્ચા થાય છે. તમે બધાએ બૅટ અને બૉલથી સારું પ્રદર્શન કર્યું છે.’