લાઇવ ટેલિકાસ્ટ દરમ્યાન કેવિન પીટરસને અંબાતી રાયુડુને કહ્યું...
અંબાતી રાયુડુ
ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન અંબાતી રાયુડુ અને ભૂતપૂર્વ ઇંગ્લિશ બૅટર કેવિન પીટરસનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોવા મળ્યું કે IPL ફાઇનલ બાદ કૉમેન્ટરી શોમાં લાઇવ ટેલિકાસ્ટ દરમ્યાન પીટરસન ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ બૅટર રાયુડુને જોકર કહી રહ્યો છે. હકીકત એ છે કે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સપોર્ટ કરવા રાયુડુએ પહેલાં ઑરેન્જ રંગનો કોટ પહેર્યો હતો, પણ કોલકાતા નાઇટ રાઇડર્સ ચૅમ્પિયન બની એ બાદ તેણે બ્લુ રંગનો કોટ પહેરી લીધો હતો.
આ ઘટના પર રાયુડુને ટ્રોલ કરતાં કેવિન પીટરસને મજાકમાં કહ્યું હતું કે તું જોકર છે અને હંમેશાં જોકર જ રહેશે. પીટરસનની આ રમૂજ પર જવાબ આપતાં રાયુડુએ કહ્યું હતું કે હું બન્ને ટીમને સપોર્ટ કરતો હતો, હું સારા ક્રિકેટના પક્ષમાં છું. આ પહેલાં રાયુડુએ વિરાટ કોહલી વિશે વિવાદિત કમેન્ટ કરી હતી કે ‘ઑરેન્જ કૅપ જીતવાથી કંઈ નથી થતું, તમારે IPL ટ્રોફી જીતવી જોઈએ. વિરાટ કોહલીના હાઈ સ્ટાન્ડર્ડ્સના કારણે યુવા ક્રિકેટર્સ પર દબાણ વધી રહ્યું છે.’ આ નિવેદનના કારણે તે ભારે ટ્રોલ થયો હતો. જોકે ટ્વિટર પર કેવિન પીટરસને આવું ન કરવા અપીલ કરી હતી.

