IPL 2024: DC vs RR, Match 56 – પંત સેનાએ આપેલા ૨૨૨ રનના ટાર્ગેટ સામે રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસનની સીઝનની પાંચમી અફલાતુન હાફ-સેન્ચુરી છતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૧ રન જ બનાવી શક્યું
IPL 2024
તસવીર સૌજન્યઃ iplt20.com
આઇપીએલ ૨૦૨૪ (IPL 2024) માં ગઈ કાલે દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals) એ રાજસ્થાન રૉયલ્સ (Rajasthan Royals) ને રોમાંચક ટક્કરમાં ૨૦ રનથી હરાવી દેતા પ્લે-ઑફની રેસ વધુ રસપ્રદ બની ગઈ છે. દિલ્હીએ આપેલા ૨૨૨ રનના ટાર્ગેટ સામે રાજસ્થાન કૅપ્ટન સંજુ સૅમનનની લડત છતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૧ રન સુધી જ પહોંચી શક્યું હતું અને ૨૦ રનથી હાર જોવી પડી હતી.
રાજસ્થાન પાસે જીત મેળવીને પ્લે-ઑફમાં સ્થાન પાક્કુ કરવાનો ગોલ્ડન ચાન્સ હતો. પણ હવે તેમણે આગામી ટક્કર સુધી રાહ જોવી પડશે. બીજી તરફ દિલ્હીએ પ્લે-ઑફની આશા જીવંત રાખવા જીતવું જરૂરી હતું અને જીત સાથે તેઓ લખનઉને હટાવીને પાંચમાં ક્રમાંકે પહોંચ્યા હતા. હવે તેમણે તેમની બાકીની બન્ને મૅચમાં, બૅન્ગલોર અને લખનઉ સામે પણ જીતવું જરૂરી છે અને ત્યારબાદ પણ તેમણે બીજી ટીમોના પરિણામ પર પણ આધાર રાખવો પડશે.
ADVERTISEMENT
મૅકગર્ક બનાવ્યો અનોખો રેકોર્ડ
રાજસ્થાને ટૉસ જીતીને દિલ્હીને પ્રથમ બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હીના ઓપનરોએ આ આમંત્રણ સહર્ષ સ્વીકારીને ૪.૨ ઓવરમાં ૬૦ રનની ઓપનિંગ પાર્ટનરશીપ સાથે વધાવી લીધું હતું. આ ૬૦ રનની પાર્ટનરશીપમાં જૅક ફ્રેસર-મૅકગર્ક એકલાના જ ૫૦ રન (૨૦ બૉલ, ૩ સિક્સર અને સાત ફોર) હતાં. ૧૯ બૉલમાં હાફ-સેન્ચુરી ફટકાર્યા બાદ મૅકગર્ક બીજા જ બૉલે આઉટ થઈ ગયો હતો. મૅકગર્કે આ આક્રમક ઇનિંગ્સ દ્વારા આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયન સિલેક્ટરોએ કરેલી અવગણનાનો જવાબ પણ આપી દીધો હતો. આ ઉપરાંત એક જ સીઝનમાં ૨૦થી ઓછા બૉલમાં ત્રણ હાફ-સેન્ચુરી ફટકારનાર પહેલો બૅટર બની ગયો હતો. મૅકગર્કે ગઈ કાલે રાજસ્થાન સામે ૧૯ બૉલમાં હાફ-સેન્ચુરી પહેલા મુંબઈ અને હૈદરાબાદ સામે માત્ર ૧૫ બૉલમાં હાફ-સેન્ચુરી ફટકારી હતી.
મૅકગર્કની વિદાય બાદ તેના સાથી ઓપનર અભિષેક પોરેલ બાઝી હાથમાં લેતા ૩૬ બૉલમાં ૩ સિક્સર અને સાત ફોર સાથે ૬૫ રન ફટકારીને ટીમને ૨૦૦ પ્લસના સ્કોર સુધી લઈ ગયો હતો. ટ્રીસ્ટન સ્ટબ્બસે છેલ્લે ૨૦ બૉલમાં ૩ સિક્સર અને ત્રણ ફોર સાથે ૪૧ રનની આક્રમક ઇનિંગ્સના જોરે દિલ્હીએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૨૧ રનને મસમોટો સ્કોર બનાવી લીધો હતો. રાજસ્થાન વતી રવીચન્દ્રન અશ્વિન સૌથી સફળ બૉલર સાબિત થયો હતો અને તેણે ચાર ઓવરમાં માત્ર ૨૪ રન આપીને મૅકગર્ક, પોરેલ અને અક્ષર પટેલની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
મૅકગર્કે આવેશના હોશ ઉડાવી દીધા
ઇનિંગ્સની ચોથી અને પોતાની પ્રથમ ઓવરમાં આવેશ ખાન મૅકગર્કના ઝપાટામાં આવી ગયો હતો. પહેલા, બીજા, ત્રીજા અને પાંચમાં બૉલે ફૉર અને ચોથા તથા છઠ્ઠા બૉલે સિક્સર સાથે મૅકગર્કે આવેશની ઓવરમાં કુલ ૨૮ રન ફટકારીને તેના હોશ ઉડાવી દીધા હતાં.
શાનદાર સૅમસન
રાજસ્થાનના બન્ને ઓપનરો યશસ્વી જયસ્વાલ (બે બૉલમાં એક ફોર સાથે ચાર રન) અને જોસ બટલર (૧૭ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૯ રન)ની વહેલી વિદાય બાદ કૅપ્ટન સંજુ સૅમસને ટીમને જીતાડવા કમર કસી હતી. ૬ સિક્સર અને ૮ ફોરની રમઝટ સાથે ૪૬ બૉલમાં ૮૬ રનની અફલાતુન ઇનિંગ્સના જોરે ટીમની જીતની આશા જીવંત રાખી હતી પણ ૧૬મી ઓવરમાં વિવાદાસ્પદ રીતે આઉટ થયા બાદ ટીમ ફસડાઈ પડી હતી અને ૨૦ રનથી હાર જોવી પડી હતી. સૅમસનની આ સીઝનની પાંચમી હાફ-સેન્ચુરી હતી. આ પહેલા તેમણે લખનઉ સામે બન્ને મૅચમાં અને બૅન્ગલોર તેમજ દિલ્હી સામે પણ હાફ-સેન્ચુરી ફટકારી હતી.
સૅમસનની ૨૦૦ સિક્સર, ધોનીનો રેકોર્ડ તોડ્યો
આ ઉપરાંત સૅમસને ગઈ કાલે ૬ ગગનચૂંબી સિક્સરો સાથે આઇપીએલમાં ૨૦૦ સિક્સરોનો માઇલસ્ટૉન પણ હાંસિલ કરી લીધો હતો. આવી કમાલ કરનાર એ ૧૦મો ખેલાડી અને પાંચમો ભારતીય બૅટર બની ગયો હતો. સૌથી ઓછી ૧૫૯ ઇનિંગ્સમાં ૨૦૦ સિક્સરોની ક્બલમાં સામેલ થનાર સૅમસન ભારતીય બૅટર બની ગયો હતો. તેણે મહેન્દ્ર સિંહ ધોનીના ૧૬૫ ઇનિંગ્સના રેકોર્ડને તોડી નાખ્યો હતો. આ મામલે વિરાટ ત્રીજા નંબરે, રોહિત શર્મા ચોથા અને સુરેશ રૈના પાંચમાં ક્રમાંકે છે.
બન્ને ટીમની હવે બાકીની ટક્કરો
દિલ્હી રવિવારે બૅન્ગલોરમાં બૅન્ગલોર સામે અને ત્યારબાર છેલ્લી લીગમાં મંગળવારે ઘરઆંગણે લખનઉ સામે રમશે. જ્યારે રાજસ્થાન રવિવારે ચેન્નઈમાં ચેન્નઈ સામે રમ્યા બાદ બાકીની બન્ને તેમના સેકન્ડ હૉમ ગુવાહાટીમાં બુધવારે પંજાબ સામે અને છેલ્લી લીગમાં રવિવાર, ૧૯ મેના રોજ કલકત્તા સામે ટકરાશે.
કુલદીપની નિર્ણાયક ૧૮મી ઓવર
દિલ્હીને એક સમયે ૧૮ બૉલમાં ૪૧ રનની જરૂરત હતી અને તેમની પાંચ વિકેટ હાથમાં હતી. ત્યારે કુલદીપ યાદવે તેના કાંડાની કરામત બતાવતા ૧૮મી ઓવરમાં માત્ર ચાર રન આપીને ડેવોનન ફરેરા (૧) અને અશ્વિનને (૨)ને આઉટ કરીને મૅચને દિલ્હીના પક્ષમાં કરી દીધી હતી. કુલદીપ ચાર ઓવરમાં માત્ર ૨૫ રન આપીને ૩ વિકેટના કમાલના પફોર઼્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ પણ બની ગયો હતો.
આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
કલકત્તા |
૧૧ |
૮ |
૩ |
૧૬ |
૧.૪૫૩ |
રાજસ્થાન |
૧૧ |
૮ |
૩ |
૧૬ |
૦.૪૭૬ |
ચેન્નઈ |
૧૧ |
૬ |
૫ |
૧૨ |
૦.૭૦૦ |
હૈદરાબાદ |
૧૧ |
૬ |
૫ |
૧૨ |
-૦.૦૬૫ |
દિલ્હી |
૧૨ |
૬ |
૬ |
૧૦ |
-૦.૩૧૬ |
લખનઉ |
૧૧ |
૬ |
૫ |
૧૨ |
-૦.૩૭૧ |
બૅન્ગલોર |
૧૧ |
૪ |
૭ |
૮ |
-૦.૦૪૭ |
પંજાબ |
૧૧ |
૪ |
૭ |
૮ |
-૦.૧૮૭ |
મુંબઈ |
૧૨ |
૪ |
૮ |
૮ |
-૦.૨૧૨ |
ગુજરાત |
૧૧ |
૪ |
૭ |
૮ |
-૧.૩૨૦ |
350
રાજસ્થનના યુઝવેન્દ્ર ચહલે દિલ્હીના કૅપ્ટન રિષભ પંતને આઉટ કરીને ટી૨૦ ક્રિકેટમાં ૩૫૦ વિકેટ લેનાર બોલરોના ક્બલમાં સામેલ થઈ ગયો હતો. આવી કમાલ કરનાર એ પહેલો ભારતીય અને ઑવરઑલ ૧૧મો ખેલાડી બની ગયો હતો.
56
દિલ્હી સામેની મૅચ સંજુ સૅમસનની રાજસ્થાનના કૅપ્ટન તરીકે ૫૬મી મૅચ હતી. આ સાથે તેણે શેન વોર્નના ૫૫ મૅચના રેકોર્ડને તોડી નાખ્યો હતો.