બૅન્ગલોરનો રજત પાટીદાર પણ આખી આઇપીએલમાં નહીં રમી શકે.
IPL 2023
શ્રેયસ ઐયર ફાઇલ તસવીર
શ્રેયસ અને પાટીદાર આઇપીએલની બહાર
કલકત્તા નાઇટ રાઇડર્સના ફુલ-ટાઇમ કૅપ્ટન શ્રેયસ ઐયરે પીઠમાં સર્જરી કરાવવી પડશે જેને કારણે તે આખી આઇપીએલમાં નહીં રમી શકે. તેના સ્થાને નીતિશ રાણાને સુકાન સોંપવામાં આવ્યું છે. શ્રેયસ વિદેશ જઈને સર્જરી કરાવશે. તે જૂનની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પણ નહીં રમી શકે. બૅન્ગલોરનો રજત પાટીદાર પણ આખી આઇપીએલમાં નહીં રમી શકે. તેને પગમાં ઈજા થઈ છે.
ADVERTISEMENT
વિલિયમસનને ઈજા થતાં પાકિસ્તાન સામે ટૉમ લેથમ કૅપ્ટન
આઇપીએલની શરૂઆતમાં જ ગુજરાત ટાઇટન્સના નવા ખેલાડી અને ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને ઈજા થતાં પાકિસ્તાન સામે કિવીઓની ૨૬ એપ્રિલથી પાંચ મૅચની જે વન-ડે સિરીઝ રમાશે એમાં કિવી ટીમનું નેતૃત્વ અનુભવી બૅટર ટૉમ લેથમ સંભાળશે. ટિમ સાઉધી, લૉકી ફર્ગ્યુસન, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિચલ સૅન્ટનર અને ફિન એલન આઇપીએલમાં રમી રહ્યા હોવાથી અને વિલિયમસન ઈજા પામ્યો હોવાથી પ્રમાણમાં નબળી કિવી ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે.
આઇપીએલના કૉમેન્ટેટર આકાશ ચોપડા કોવિડ-પૉઝિટિવ
ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર અને આઇપીએલ દરમ્યાન ડિજિટલ બ્રૉડકાસ્ટર્સ જિયોસિનેમા માટે કૉમેન્ટરી આપી રહેલા આકાશ ચોપડાના કોવિડ-19ને લગતો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમણે ગઈ કાલે ટ્વિટર પર આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે મને કોરોનાનાં નજીવાં લક્ષણ છે જેને કારણે હું થોડા દિવસ કૉમેન્ટરી બૉક્સથી દૂર રહીશ. ચોપડા કૉમેન્ટરી ઉપરાંત બીજા ક્રિકેટ સંબંધી શો સાથે પણ સંકળાયેલા છે જેના આયોજકોએ આ શો સાથે સંકળાયેલા દરેકના સ્વાસ્થ્યની બાબતમાં તકેદારી રાખવાની ખાતરી આપી છે.